પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે આજે કહ્યું હતું કે ભારતીય શ્રેણીઓ કે અન્ય મટિરિયલને પાક.ની ટીવી ચેનલો પર દર્શાવી શકાય નહીં કારણ કે તેનાથી પાકિસ્તાનની સંસ્કૃત્તિ બગડે છે અને સમાજને નુકસાન થાય છે.પાકિસ્તાનમાં ટીવી ચેનલો પર ભારતીય શો કે અન્ય મટિરિયલના પ્રસારણ પર હાઇકોર્ટના ઓર્ડર સામે પાકિસ્તાન ઇલેકટ્રોનિક મીડિયા રેગ્યુલેટ્રી ઓથોરિટી (પરમા) દ્વારા કરાયેલી અરજી પર બોલતાં ચીફ જસ્ટિસ નિસારે આ રીતે પ્રતિભાવ આપ્યો હતો.
પરમાના વકીલે ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની બેંચને માહિતી આપી હતી કે તેની સામે સ્ટે હાઇકોર્ટ ઓર્ડર જારી કરે તેની પહેંલા જ વિદેશી મટિરિયલ્સ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યું હતું. પરમાના વડા સલીમ બેગે કોર્ટને કહ્યું હતું કે ફિલ્માઝિયા ચેનલમાં દર્શાવવામાં આવતા કાર્યક્રમો વિદેશી હોય છે અને કેટલીક વખતે તો તેને જોનારાઓની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થઇ જાય છે. તેમ છતાં પાક.ચીફ જસ્ટિસે ભારતીય શો કે અન્ય મટિરિયલને દર્શાવવા છુટ આપી નહતી.
પરમાના વકીલે કોર્ટને કહ્યું હતું કે ફિલ્માઝિયા કોઇ સમાચારની ચેનલ નથી, બલકે મનોરંજનની ચેનલ છે. તે કોઇપણ જાતનો પ્રોપરગંડા કરતી નથી.’તેમ છતાં તે પાકિસ્તાની સંસ્કૃત્તિને ભ્રષ્ટ તો કરે જ છે’એમ જજે કહ્યું હતું. નિસારે નોંધ્યું હતું કે પાકિસ્તાન બ્રોડકાસ્ટર એસોસિએશનના વકીલ કોર્ટમાં હાજર નહતા.’અમે તેમને સાંભળ્યા વિના કોઇ ચૂકાદો આપી શકીએ નહીં’એમ નિસારે કહ્યું હતું.હવે આ કેસની સુનાવણી ફેબુ્રઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. ૨૦૧૬માં પરમાએ ભારતીય શો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.