ભારતની મહિલા હોકી ટીમે શનિવારે (6 એપ્રિલે) યજમાન મલેશિયાને પાંચ મેચની સીરીઝની બીજી મેચમાં ૫-૦થી હરાવી દબદબો જાળવી રાખ્યો હતો. પાંચ મેચની સિરીઝમાં ભારતની મહિલા હોકી ટીમનો આ સતત બીજો વિજય છે. અગાઉ રમાયેલી પ્રથમ મેચમાં ભારત ૩-૦થી જીત્યું હતુ. ભારતના વિજયની એક ખૂબી એ હતી કે, પાંચેય ગોલ અલગ-અલગ ખેલાડીઓએ કર્યા હતા.
મલેશિયાની ટીમ ભારત સામેની આ બીજી મેચમાં પણ ખાતું ખોલાવી શકી નહોતી. ભારતીય ગોલકિપર કમ કેપ્ટન સવિતા પુનિયાએ પ્રભાવશાળી દેખાવ જાળવી રાખી હરિફ ટીમને બીજી મેચમાં પણ ગોલથી વંચિત રાખી હતી.
કુઆલાલુમ્પુરમાં જ રમાયેલી બીજી મેચમાં ભારત તરફથી ૧૨મી મિનિટે નવજોત કૌરે સૌપ્રથમ ગોલ કર્યો હતો. આ પછી વંદના કટારિયાએ ૨૦મી મિનિટે બીજો ગોલ કરી ભારતની સરસાઈ ડબલ કરી દીધી હતી. મલેશિયાના ડિફેન્ડર્સે એ પછી વધુ મહેનત કરતાં ભારતને સંઘર્ષ કરવો પડયો હતો. જોકે આખરી મિનિટોમાં ફરી ભારત ત્રાટક્યું હતુ.
પ્રથમ મેચમાં 3-0થી વિજયઃ ગુરૂવારે (4 એપ્રિલ) રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ૩-૦થી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ભારત તરફથી વંદના કટારિયાએ બે અને લાલ્રેમ્સિમિએ એક ગોલ કર્યો હતો. મલેશિયન ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી.
મલેશિયાએ કેટલાક ક્લાસિક આક્રમણ કરી ભારતીય ટીમને પરેશાન કરી હતી. જોકે કેપ્ટન કમ ગોલકિપર સવિતા પુનિયા તેમજ ડિફેન્ડરોના જબરજસ્ત દેખાવને પરીણામે મલેશિયા ગોલ ફટકારી શક્યું નહતુ. હવે ૬ એપ્રિલને શનિવારે શ્રેણીની બીજી મેચ રમાશે.
કુઆલાલુમ્પુરમાં ખેલાયેલા મુકાબલામાં પ્રથમ ક્વાર્ટરમાં કોઈ ગોલ ફટકારી શક્યું નહતુ. જોકે બીજા ક્વાર્ટરમાં વંદના કટારિયાએ મેચની ૧૭મી મિનિટે ગોલ ફટકારીને ભારતને સરસાઈ અપાવી હતી. આ પછી યુવા સ્ટ્રાઈકર લાલ્રેમ્સિમિએ મેચની ૩૮મી મિનિટે ફરી ગોલ ફટકારતાં ભારતની સરસાઈને બેવડાવી દીધી હતી. આખરી પળોમાં ફરી વંદનાએ ગોલ ફટકાર્યો હતો અને ભારતને ૩-૦થી જીત અપાવી હતી.