ભારતનું શેરબજાર માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ વિશ્વનું સાતમા ક્રમનું સૌથી મોટુ બજાર બની ગયું છે. ભારતનું માર્કેટ કેપ 2.08 લાખ કરોડ ડોલરનું થઈ ગયું છે. વૈશ્વિક રેન્કિંગમાં અમેરિકા ટોચના ક્રમ પર છે, જેનું માર્કેટ કેપ 27 ટ્રિલિયન એટલે કે 27 લાખ કરોડ ડોલર છે. બીજા ક્રમે ચીનનું માર્કેટ છે. ત્યાર પછી અનુક્રમે જાપાન, હોંગકોંગ, બ્રિટન, ફ્રાન્સનો ક્રમ આવે છે. ભારતના ઝડપથી વધી રહેલા આર્થિક વૃદ્ધિદરને કારણે શેરબજારમાં પણ તેજીનો માહોલ છવાયેલો રહ્યો છે, જેને કારણે ભારતા શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 2.08 લાખ કરોડ ડોલરનું થઈ ગયું છે અને તે વિશ્વમાં માર્કેટ કેપની દૃષ્ટિએ સાતમા ક્રમે પહોંચી ગયું છે. ભારતે આ મામલે યુરોપના સૌથી મોટા અર્થતંત્ર એવા જર્મનીને છેલ્લાં સાત વર્ષમાં પ્રથમવાર પાછળ રાખી દીધું છે.
વિશ્વના ઊભરતા બજારો(ઈમર્જિંગ માર્કેટ્સ)માં ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે. ભારતનો આર્થિક વૃદ્ધિદર જે પ્રકારે થઈ રહ્યો ચે તે જોતા તે સાતત્યપૂર્ણ હોવાનો સંકેત પણ કરે છે. હા, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભરપૂર તેજી જોવા નથી મળી તેમ છતાં એકંદરે વૃદ્ધિ સારી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ છેલ્લાં એક વર્ષમાં સ્થાનિક કરન્સીની દૃષ્ટિએ 5 ટકા વધ્યો છે અને અમેરિકન ડોલરની દૃષ્ટિએ ચાર ટકા જેવો વધ્યો છે અને MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ કરતાં આઉટપરફોર્મર રહ્યો છે. MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ 17 ટકા ઘટી ગયો છે.
GDP રેશિયોની સરખામણીએ માર્કેટ કેપ
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ વધવાનો સૌથી મોટો ફાયદો બ્રોકિંગ બિઝનેસને થશે. જોકે બ્રોકિંગ બિઝનેસ સામે અનેક પડકારો પણ છે. આ ક્ષેત્રે ખાસ્સી સ્પર્ધા વધી ગઈ છે અને હવે ખૂબ જ ઓછા ખર્ચે કે ઝીરો કોસ્ટથી પણ બ્રોકિંગ કરનારા વધી ગયા છે. વળી, આ સેક્ટરમાં વોલેટિલિટી સ્વાભાવિક છે જેને કારણે તેમાં જોખમ રહેલું છે. આવા સંજોગોમાં એક્સચેન્જ, ડિપોઝીટરી, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ તરફ નજર દોડાવવી જોઈએ.
ભારતનું માર્કેટ કેપ હજી વધવાની ખાસ્સી સંભાવના
માર્કેટ કેપ સામાન્ય રીતે કોઈપણ દેશની આર્થિક વૃદ્ધિની સાથે વધતો કે ઘટતો હોય છે. ભારતના માર્કેટ કેપમાં હજી સુધારાને ખાસ્સો અવકાશ રહેલો છે, કારણ કે તેનો માર્કેટ કેપ-ટુ-જીડીપી રેશિયો 77 ટકા છે, જે વિશ્વના સરેરાશ રેશિયો કરતાં નીચે છે.
એટલું જ નહીં, 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી વખતે 151 ટકા હતો તેના કરતાં પણ નીચે છે. મોર્ગન સ્ટેન્લીના મતે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 2027 સુધીમાં 6.7 લાખ કરોડ ડોલરનું થઈ જશે તેવો અંદાજ છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર છે અને તેનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) વર્ષ 2025 સુધીમાં 5 લાખ કરોડ ડોલર થશે તેવો અંદાજ છે. સ્વાભાવિક રીતે જ તેની સીધી સકારાત્મક અસર શેરબજાર પર પણ પડશે. આથી બોમ્બે સ્ટોક એક્સચેન્જને પણ તેનો સીધો ફાયદો થશે.