શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમે યજમાન સામેનો વાઈટવોશ સાવ પુરો કર્યો હતો. બુધવારે (6 સપ્ટેમ્બર) એકમાત્ર ટી-20 મેચમાં પણ ભારતે સાત વિકેટે શ્રીલંકાને હરાવી 171 રનનો વિજયનો પડકાર ખાસ મુશ્કેલી વિના ઝીલ્યો હતો.
શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી 7 વિકેટે 170 રનનો માતબર સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં સુકાની કોહલીએ ફક્ત 54 બોલમાં 82 અને મનીષ પાંડેએ અણનમ 51 કરી મુખ્ય ફાળો આપ્યો હતો. ભારતે છેલ્લી ઓવરમાં, ચાર બોલ બાકી હતા ત્યારે જ વિજય મેળવી શ્રેણી પુરી કરી હતી. કોહલીએ સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. મનીષ પાંડે સાથેની ભાગીદારીમાં બન્ને ૧૧૯ રન કર્યા હતા. મનીષ પાંડેએ ૩૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૫૧ કરી ભારતને વિજય અપાવ્યો હતો.
ટેસ્ટ અને વન ડે શ્રેણીમાં ફ્લોપ રહેલા શ્રીલંકાના મુનાવીરાએ આક્રમક બેટીંગ કરી ૨૯ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૫૩ રન કર્યા હતા. તેની તોફાની બેટીંગને કારણે શ્રીલંકા સાત વિકેટે ૧૭૦ના સ્પર્ધાત્મક સ્કોરે પહોંચ્યું હતું. મીડલ ઓર્ડર પ્રિયાંજને ૪૦ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૦ રન કર્યા હતા. જોકે શ્રીલંકાના બાકીના બેટ્સમેન ખાસ રમી શક્યા નહોતા. ઉદાનાએ ૧૦ બોલમાં અણનમ ૧૯ તેમજ પ્રસન્નાએ અણનમ ૧૧ રન ફટકાર્યા હતા.  ભારતીય બોલરોએ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. સ્પિનર ચહલે ૪૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, તો કુલદીપ યાદવે અસરકારક બોલિંગ કરી ચાર ઓવરમાં માત્ર ૨૦ રન આપતાં બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY