ભારતે 3 મેચની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ગયાના ખાતેની અંતિમ મેચમાં 147 રનનો પીછો કરતા ભારતે 5 બોલ બાકી રાખીને 7 વિકેટે મેચ જીતી હતી. ભારતે ચોથી વાર 3 મેચની સિરીઝમાં વિરોધી ટીમનો વ્હાઇટવોશ કર્યો છે. છેલ્લે 2018-19માં વેસ્ટ ઇન્ડિઝનો જ 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. તે પહેલા ભારતે 2017-18માં ઘરઆંગણે શ્રીલંકા અને 2016માં કાંગારું સામે ક્લિનસ્વીપ કરી હતી.
3 ઓવરમાં 1 મેડન સહિત 4 રન આપીને 3 વિકેટ લેનાર દિપક ચહર મેન ઓફ ધ મેચ બન્યો હતો. જયારે કૃણાલ પંડ્યા મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ચહરનું આ પ્રદર્શન વિન્ડીઝ વિરુદ્ધ ભારતીય બોલરનો શ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા 2018માં કુલદીપ ગાર્ડન ખાતે 18 રન આપીને 3 વિકેટ લીધી હતી.
147 રન ચેઝ કરતા ભારતે બંને ઓપનર્સની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. શિખર ધવન 3 અને લોકેશ રાહુલ 20 રને આઉટ થયા હતા. તે પછી કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંતે ત્રીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. કોહલી ટી-20માં 21મી વાર 50થી વધુનો સ્કોર કર્યા હતો. તેણે 45 બોલમાં 6 ચોક્કાની મદદથી 59 રન કર્યા હતા. જ્યારે પંતે 42 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી અણનમ 65 રન કર્યા હતા. તે ભારત માટે ટી-20ની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે.