ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની બીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રને હરાવ્યું હતું. ભારતની વિન્ડીઝ સામે આ સતત ચોથી જીત હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. પ્રથમ વનડે વરસાદના લીધે રદ થઇ હતી. સિરીઝની અંતિમ વનડે 14 ઓગસ્ટના રોજ આ ગ્રાઉન્ડ ઉપર જ રમાશે.

વિરાટ કોહલીની 42મી સદી થકી ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 279 રન કર્યા હતા. તેની આ વિન્ડીઝ વિરુદ્ધ 8 ઇનિંગ્સમાં 5મી સદી હતી. આ પહેલાની 7 ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 111*, 140, 157*, 107, 16, 33* અને 72 રન કર્યા હતા. વરસાદના વિલંબના લીધે ડકવર્થ લુઈસ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝને 46 ઓવરમાં 270 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વિન્ડીઝની ટીમ 42 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેમના માટે એવીન લુઈસે સર્વાધિક 65 રન કર્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લીધી હતી. ગેલે ઇનિંગ્સ દરમિયાન 7 રન પૂરા કર્યા તે સાથે જ વિન્ડીઝ માટે વનડેમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બન્યો હતો. આ પહેલા વિન્ડીઝ માટે સૌથી વધુ રનનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન બ્રાયન લારાના નામે હતો. તેણે 10, 348 રન કર્યા હતા.

ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની બીજી વનડેમાં કપ્તાની વિરાટ કોહલીની સદી અને શ્રેયસ ઐયરની ફિફટી થકી વેસ્ટ ઇન્ડિઝને 280 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ કોહલીએ વનડેમાં 42મી સદી ફટકારતા 125 બોલમાં 120 રનની કપ્તાની ઇનિંગ્સ રમી હતી. જયારે શ્રેયસ ઐયરે 68 બોલમાં 71 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત સાધારણ રહી હતી. શિખર ધવન, રોહિત શર્મા અને ઋષભ પંત અનુક્રમે 2, 18 અને 20 રને આઉટ થઇ ગયા હતા. કોહલી અને ઐયરે ભારતની બાજી સંભાળી હતી. વિન્ડીઝ માટે કાર્લોસ બ્રેથવેટે 3 વિકેટ, જયારે શેલ્ડન કોટરેલ, જેસન હોલ્ડર અને રોસ્ટન ચેઝે 1-1 વિકેટ લીધી હતી.

કોહલીની વિરાટ ઇનિંગ્સ: વિરાટ કોહલીએ 125 બોલમાં 14 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 120 રન કર્યા હતા. તે કાર્લોસ બ્રેથવેટની બોલિંગમાં લોન્ગ-ઓફ પર કેમર રોચના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા તેણે પોતાની 42મી વનડે સદી ફટકારતા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તેની આ વિન્ડીઝ વિરુદ્ધ છેલ્લી 8માંથી 5 ઇનિંગ્સમાં સદી હતી. આ પહેલાની 7 ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 111*, 140, 157*, 107, 16, 33* અને 72 રન કર્યા હતા. તે ઉપરાંત કોહલી વનડેમાં હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (11363 રન)ને પાછળ છોડીને આઠમા ક્રમે આવી ગયો છે.

કોહલી અને ઐયરની 125 રનની ભાગીદારી: ઋષભ પંત 20 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો ત્યારે ભારતે 101 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને વિન્ડીઝ વાપસી કરી શકે તેમ હતું. જોકે ઐયરે કેપ્ટન કોહલીનો સાથ આપતા બંનેએ ત્રીજી વિકેટ માટે 125 રન જોડ્યા હતા. ઐયરે પહેલા બોલથી કાઉન્ટર ક્રિકેટ રમતા રનગતિ વધારી હતી. તેણે 68 બોલમાં 5 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી કરિયરની ત્રીજી ફિફટી ફટકારી હતી. તેમજ ટીમમાં આગામી કેટલીક મેચો માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તે જેસન હોલ્ડરની બોલિંગમાં મોટો શોટ રમવા જતા બોલ્ડ થયો હતો.