ભારતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી સમક્ષ 2032ના ઓલિમ્પિક્સ રમતોત્સવનું આયોજન પોતાને ત્યાં કરવા માટે – યજમાનપદ માટે તાજેતરમાં વિધિસર રીતે દાવો કર્યો હોવાનું ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વડા થોમસ બેક તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ મતલબનો પત્ર વિધિસર રીતે તેમને સુપ્રત કરાયો હતો.
થોમસ બેકે આ ઈરાદાને આવકાર્યો હતો. ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ કહ્યું હતું કે બેકને પત્ર સુપ્રત કર્યા પછી આ મહિનાના આરંભે જ જાપાનના પાટનગર ટોકિયોમાં મળેલી બોર્ડની મીટીંગમાં પોતે ત્રણ સભ્યોની બીડ કમિટીને મળ્યા હતા. તેઓએ પણ ભારતના આ પગલાં આવકારતાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખર તો અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સની યજમાની કરી લીધી હોવી જોઈતી હતી.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ કમિટીની વિચારણા મુજબ ભારતમાં નવી દિલ્હી અને મુંબઈ બે મુખ્ય શહેરો આ રમત સ્પર્ધાના આયોજન માટે નજરમાં છે, જો કે અન્ય શહેરો માટે પણ વિચારણા થઈ જ શકે છે. ભારતે પહેલીવાર વિધિસર રીતે યજમાનપદ માટેનો દાવો રજૂ કર્યો છે. 2032ના ઓલિમ્પિક્સના યજમાનપદ માટેની દાવેદારીની સ્પર્ધા – પ્રક્રિયા 2022માં શરૂ થશે અને તેના આયોજન માટેના શહેરની આખરી ઘોષણા 2025માં થશે.