યુકેના કાઉન્ટર એક્સટ્રીમિઝમ મિનિસ્ટર બેરોનેસ વિલિયમ્સ હાલમાં ભારતની મુલાકાતે ગયા છે. સોમવારે (11 જુન) તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા અને ભારતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન કિરણ રિજિજુ સાથે વાટાઘાટો કરી હતી. તેમની મંત્રણાઓમાં વૈશ્વિક સ્તરે નિકટના સંબંધો ધરાવતા દેશો વચ્ચે નિકટના સહકાર – સહયોગથી જ વિશ્વમાં અંતિમવાદી વિચારસરણી અને ત્રાસવાદનો મુકાબલો અસરકારક રીતે કરી શકાશે તે મુદ્દો મુખ્યત્ત્વે ચર્ચાયો હતો. મંગળવારે તેમણે દિલ્હીમાં ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાએલી એક કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે વિશ્વના મોટા ભાગના દેશો સામે ત્રાસવાદનો ખતરો અભૂતપૂર્વ બની રહ્યો છે. એ પણ તદ્દન જગજાહેર વાત છે કે, ઘણા દેશોને મન ભારત અને યુકે જેવું લોકશાહી, કાયદાના શાસન તેમજ વિવિધ ધર્મ અને શ્રદ્ધા ધરાવતી વ્યક્તિઓ વચ્ચે સહિષ્ણુતાના મૂલ્યોનું જાણે કોઈ મહત્ત્વ જ નથી. આ સંજોગોમાં, કોઈપણ દેશની સરકાર એકલા હાથે ત્રાસવાદનો તેના દરેક સ્વરૂપે મુકાબલો કરી જ શકે નહીં, તેણે એમ કરવું પણ ના જોઈએ. પરસ્પર વિશ્વાસ ધરાવતા સાથી રાષ્ટ્રો વચ્ચે નિકટના સહયોગથી જ એ કાર્ય થઈ શકશે. બેરોનેસ વિલિયમ્સ રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એમ. જે. અકબરની પણ મુલાકાત લઈ તેમની સાથે મંત્રણાઓ કરશે.