ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવાર, 13 નવેમ્બરે બેઠક યોજાઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. છેલ્લાં છ મહિનામાં આ બંને મહાનુભાવો વચ્ચે આ બીજી બેઠક છે.
ટ્રમ્પ સાથે દ્વિપક્ષી ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો ખૂબ જ જૂના અને સંગીન છે. બંને દેશો એશિયા અને માનવતા માટે સાથે મળીને કામગીરી બજાવશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળી સમગ્ર વિશ્વનું ભવિષ્ય બદલી શકે તેમ છે. અમેરિકા જ્યારે પણ ભારતનો ઉલ્લેખ કરે છે ત્યારે એકદમ ઉષ્માપૂર્વક કરે છે. આ બાબતે મોદીએ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો.બંનેએ ઓપનિંગ રિમાર્ક આપ્યા હતા. મોદીએ કહ્યું, ‘હું તમને એકવાર ફરીથી મળીને ખુબ જ ખુશ છું. બંને દેશો વચ્ચે સંબંધો નવી ઉંચાઇઓ સર કરી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં અમે ઘણાં મુદ્દાઓ પર ગહન વિચારણા કરી છે. ભારતની પ્રશંસા માટે ધન્યવાદ.’ આ અગાઉ જુલાઇમાં જી-20 સમિટમાં બન્ને નેતાઓ મળ્યા હતા. રવિવારે ASEANના 50મા સ્થાપના દિવસ નિમિત્તે એક ગાલા ડિનર યોજાયું હતું. એ વખતે મોદી-ટ્રમ્પ વચ્ચે ખૂબજ ટુંકી અનૌપચારિક મુલાકાત થઇ હતી. એ વખતે ચીનના પ્રીમિયર લી કેકિયાંગ, જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, રશિયાના વડાપ્રધાન દમિત્રી મેડવેદેવ, મલેશિયાના વડાપ્રધાન નજીબ રજાક પણ ઉપસ્થિત હતા.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ મારા મિત્ર અને સજજન મહાનુભાવ છે. અમે ઘણા મહત્વનાં મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે. મોદીએ ભારતને એક કરવાનું કામ કર્યું છે.
અગાઉ આસિયાન શિખર પરિષદમાં બોલતાં મોદીએ કહ્યું કે, અમે ભારતમાં વેપાર સરળ બનાવ્યો છે અને મહત્ત્વના સુધારાઓ સાથે ભારતનું રેન્કીંગ વધુ સારૂં થયું છે. કોઇ પણ દેશ માટે આ સૌથી લાંબી છલાંગ છે. તેઓએ કહ્યું કે, જનધન યોજના હેઠળ ગરીબોને મળતી સબસીડી સીધી ગરીબોના ખાતામાં જાય છે. મોદીએ કહ્યું કે, છતાં પણ અમે એવું માનીએ છીએ કે, આટલું અમારાં માટે પુરતું નથી.