ભારત અને જાપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે. ત્રણેય દેશોએ આ માટે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. શરતો પ્રમાણે ભારત-જાપાન કોલંબો પોર્ટના પૂર્વ ભાગ પર ડીપ-સી કન્ટેનર ટર્મિનલ બનાવશે. શ્રીલંકા પોર્ટ ઓથોરિટી પ્રમાણે, પોર્ટ દ્વારા થનારો 70 ટકા વ્યાપાર ભારત સાથે જોડાયેલો છે.
કરાર બાદ પણ પોર્ટના માલિકી હક શ્રીલંકા પાસે જ રહેશે. જે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટથી ઊલટું છે, જેમા દેવું ન ચુકવી શકવાની સ્થિતિમાં શ્રીલંકાએ તેનું હમ્બનટોટા પોર્ટ ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપવું પડ્યું છે. કરાર પ્રમાણે, શ્રીલંકા પ્રોજેક્ટના 51 ટકા હિસ્સાને નિયંત્રિત કરશે, જ્યારે ભારત અને જાપાન બાકીના 49 ટકા પ્રોજેક્ટને નિયંત્રિત કરશે. હવે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે ત્રણેય દેશો એકબીજા સાથે મુલાકાત કરશે. શ્રીલંકા પોર્ટ ઓથોરિટીએ કહ્યું, હિંદ મહાસાગરનું કેન્દ્ર હોવાને કારણે શ્રીલંકા અને તેના બંદરોનો વિકાસ મહત્વનો છે. આ ભાગીદારી વાળો પ્રોજેક્ટ ત્રણેય દેશો વચ્ચેની મિત્રતાને દર્શાવે છે.
થોડા સમય પહેલા બ્લૂમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હમ્બનટોટા પોર્ટ પર ચીનના વધતા દેવાને કારણે શ્રીલંકા કોલંબો પોર્ટને વિકસિત કરવા માટે અન્ય દેશોની મદદ માગી શકે છે.
ચીન દુનિયાભરમાં વન બેલ્ટ એન્ડ વન રોડ પરિયોજનાને વધારી રહ્યું છે. શ્રીલંકાને પણ તેને પરિયોજના હેઠળ હમ્બનટોટા પોર્ટને વિકસિત કરવા માટે 1 બિલિયન ડોલરથી વધારેનું ધિરાણ કર્યુ હતું. જો કે, ધિરાણ ચુકવી ન શકવાને કારણે શ્રીલંકાએ બદલામાં ચીનને 99 વર્ષના સમયગાળા માટે પોર્ટ લીઝ પર આપી દીધો હતો. ભારત અને જાપાન સાથે શ્રીલંકાનો આ કરાર ચીનની કૂટનીતિ સામે પહોંચી વળવાની એક રીત જ માનવામાં આવી રહી છે.