તળાજાના પાંચપિપળા ગામે કોળી પરિવારની એક મહિલાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાંથી ચાર સંતાનો મોતને ભેટ્યા છે જ્યારે જ્યારે માતા અને મોટી દીકરીને ફાયરબ્રિગેડની ટીમે બચાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. માતાનું કહેવું છે કે તેને છેલ્લા ઘણા સમયથી ભૂતપ્રેત દેખાતા હોવાથી તે ઊંઘી પણ શકતી નહોતી.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પાંચપિપળા ગામની રહેવાસી મહિલા સોમવારે સાંજે પોતાના બાળકોને લઈને મંદિરે દર્શન કરવા જવાનું કહીને ઘરમાંથી નીકળી હતી. મોડી રાત્રે ગામની સીમમાં આવેલા કૂવામાં મહિલાએ એક પછી એક એમ પાંચેય બાળકોને ફેંકીને છેલ્લે પોતે પણ કૂદી ગઈ હતી. જો કે, ફાયરબ્રિગેડ અને ગામ લોકોની મદદથી મહિલા અને મોટી દીકરીને બચાવી લેવાઈ હતી. પરંતુ આ ઘટનામાં મહિલાના ત્રણ પુત્ર અને એક પુત્રીના મોત નિપજ્યા છે.
મહિલાએ જણાવ્યું કે, તેઓ ભાગીદારીમાં ખેતી કરે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈ પાક ઉગતો જ નથી. જેના કારણે ઘરમાં પૈસાની ખૂબ ભીડ પડે છે. ઘણા વાર તો બાળકો માટે બે ટંકનો રોટલો પણ નથી નીકળતો. મારા સંતાનો પાણી માટે પણ વલખા મરતા રહેતા હોય છે. હું અને મારા પતિ તેમને બે ટંક ભોજન પણ નથી આપી શકતા. મને આંખે પણ ઓછુ દેખાય છે તેથી હું મારા બાળકોને સરખી રીતે સાચવી પણ નથી શકતી જેથી મેં વિચાર્યુ કે મારા ગયા પછી તેમને કોઈ સારી રીતે નહીં રાખે તેથી મે પણ તેમને મારી સાથે મારી નાખવાનું વિચાર્યું.
મહિલાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી મને ભૂત-પ્રેત દેખાય છે. હું જ્યારે જ્યારે આંખો બંધ કરુ ત્યારે મને સ્મશાન દેખાય છે અને બધે જ આગ લાગી હોય એવુ જ દેખાયા કરે છે. હું છેલ્લા બે વર્ષથી રાત્રે સરખી રીતે સૂઈ જ નથી શકતી. છેલ્લા બે વર્ષથી મને ભૂત દેખાય છે. હું ભૂતોની વાતો સાંભળી શકુ છું તેમજ હું તેમને જોઈ પણ શકુ છું. પરંતુ હવે આ બધુ મારા સહનશક્તિની બહાર થઈ ગયુ હતુ. તેથી મે મારું જીવન ટૂંકાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. મારા ગયા પછી મારા સંતાનોનું શુ થશે તે વિચારીને હું તેમને પણ મારી સાથે લઈ ગઈ હતી.