અમેરિકન ઉદ્યોગપતિ અને અવકાશ વિજ્ઞાની ઈલોન મસ્કે મંગળ પ્રવાસની આર્થિક ગણતરી રજૂ કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મંગળ ગ્રહના પ્રવાસનો એક દિવસનો ખર્ચ $500,000 કે તેનાથી પણ ઓછો થઈ શકે છે.
આજના ભાવે ગણતરી કરીએ તો પાંચ લાખ ડૉલર એટલે ૩.૫૩ કરોડ રૃપિયા જેવી રકમ થાય. ઈલોન અમેરિકાના ઉદ્યોગપતિ છે અને મંગળ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. એ દિશામાં તેમણે ઘણી નોંધપાત્ર કામગીરી કરી લીધી છે. તેમણે કહ્યુ હતુ કે આર્થિક રીતે સમૃદ્ધ હશે એવા દેશના લોકોને આ ટિકિટનો ભાવ મોંઘો નહીં લાગે.
ઈલોન મસ્કના મતે જતે દહાડે એવી સ્થિતિ આવશે કે અનેક લોકો વચ્ચે મંગળ પર કાયમી વસવાટ કરવા માટેની હરીફાઇ પણ જામશે. આ અંગે વિશ્વાસપૂર્વક વાત કરતા મસ્કે જણાવ્યું કે જો મોટી સંખ્યામાં લોકો મંગળનો પ્રવાસ ખેડવા તૈયાર થાય તો પ્રવાસનો એક દિવસનો ખર્ચ પાંચ લાખ અમેરિકી ડૉલરથી ઘટીને માત્ર એક લાખ અમેરિકી ડૉલર જેટલો થઇ શકે છે.
મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે અને આ રાઉન્ડ ટ્રીપમાં રિટર્ન ટિકિટનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. મંગળ પ્રવાસની કિંમત એટલી ઓછી હશે કે લોકો પૃથ્વી પર પોતાનું ઘર વેચીને મંગળ પર રહેવા પણ જઇ શકશે.
અમેરિકાની એરોસ્પેસ મેન્યુફેક્ચરર અને સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પૂરી પાડતી મસ્કની કંપની સ્પેસ એક્સ મંગળ પ્રવાસ માટેનું સ્ટારશિપ તૈયાર કરી રહી છે. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સ્ટારશિપ રીયુઝેબેલ સ્ટેઇનલેસનું રોકેટ છે જે એક સાથે સો લોકોને મંગળ કે અન્ય ગ્રહ સુધી પહોંચાડી શકશે.
મસ્કે જણાવ્યું કે સ્ટારશિપને બનાવવાનો ખર્ચ સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે વપરાતા ફાલ્કન-૯ કરતા પણ ઘટી શકે છે. ફાલ્કન નાઇનને બનાવવા માટે ૬.૨ કરોડ અમેરિકી ડૉલરનો ખર્ચ થયો હતો.
તેમના મતે મંગળ પર લાંબા સમય સુધી શ્રમિકોની માંગ રહેશે અથવા તો ત્યાં રોજગારીની ભરપૂર તકો હંમેશા ઉપલબ્ધ હશે. મંગળ પર જનારા લોકોએ શરુઆતમાં સામૂહિક આવાસોની વ્યવસ્થા કરતા પહેલા રિસાયક્લિંગ સેન્ટર, એનર્જી મેન્યુફેક્ચરીંગ યુનિટ સહિતની અનેક પ્રાથમિક માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરુર રહેશે.
જો કે દરેક વ્યક્તિએ એક વાત સમજી લેવાની જરુર છે કે મંગળ પર અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલીભર્યું હશે. મંગળ ગ્રહને રહેવાલાયક બનાવવા માટે કામદારોની તીવ્ર માંગ રહેશે અને ત્યાં આળસને કોઇ સ્થાન નહીં હોય. સાથે જ મંગળ પર સુરક્ષીત ઉતરણની કોઈ જ ગેરન્ટી નહીં આપવામાં આવે અને મૃત્યુની શક્યતાને અવગણી નહીં શકાય. વધુમાં મસ્કે ઉમેર્યું કે પૃથ્વી પર કોઈના જીવીત પરત ફરવાની શક્યતા પણ ઉંચી નહીં હોય.