મંગળ પર જીવન છે કે નહીં એ અંગે હાલ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. પરંતુ મંગળ વિશે સૌથી વધુ અને સત્તાવાર માહિતી અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ પાસે છે. નાસાએ તાજેતરમાં સ્વીકાર કર્યો હતો કે અમારા હાથમાં કદાચ ‘ઓર્ગેનિક મોલેક્યુલ’ કહેવાતા પદાર્થના પૂરાવા આવ્યા હતા.

પરંતુ અમારી જ ભૂલથી એ પૂરાવાનો અભ્યાસ થાય એ પહેલા નષ્ટ પણ થઈ ગયા હતા. શરીરની રચના માટે અનિવાર્ય તત્વ ઓર્ગેનિક કોમ્પલેક્સ છે. મંગળ પર કોઈ ઓર્ગેનિક મોલેક્યુલ હોય તેનો મતલબ તો એવો જ થાય કે ત્યાં પણ કોઈક પ્રકારનું જીવન ધબકતું હતુ અને કદાચ આજે પણ ધબકતું હોય! મંગળના અભ્યાસ માટે અત્યાર સુધીમાં વિવિધ દેશોના ૪૫થી વધુ યાન રવાના થયા છે,

જ્યારે ૨૦૨૦ સુધીમાં બીજા ૪ યાન મોકલાશે જેમાં ભારતનું ‘માર્સ ઓર્બિટર મિશન-૨ (મંગળયાન)’ પણ શામેલ છે. ૧૯૬૦ના દાયકાથી નાસાએ મંગળ પર સંશોધન શરૃ કર્યું છે. મંગળના વિગતવાર અભ્યાસ માટે નાસાએ ૧૯૭૬માં ‘વાઈકિંગ-૧’ યાન મંગળ પર ઉતાર્યું હતુ. વાઈકિંગ મંગળ પર લેન્ડ થઈ શક્યું હોય એવુ પહેલું સફળ યાન હતું. ૧૯૭૬ની ૨૦મી જુલાઈએ મંગળની સપાટી પર ઉતરેલા વાઈકિંગ-૧એ મંગળની સપાટી પર ૨૩૦૭ દિવસ રહેવાનો વિક્રમ સર્જ્યો હતો, જે ૨૦૧૦માં ઓપોર્ચ્યુનિટી યાને તોડયો. સાડા છ વર્ષના સક્રિયકાળ દરમિયાન વાઈકિંગ યાને મંગળની ધરતીના નમૂના તપાસ્યા હતા.

એ દરમિયાન જ સંભવત તેના રોબોટિક હાથમાં જીવન હોવાના પૂરાવા આવ્યા હતા. અલબત્ત, મંગળ પર જીવન એટલે કોઈ મોટા કદના સજીવો કે પછી નરી આંખે જોઈ શકાય એવા જંતુ પણ હજુ સુધી મળ્યાં નથી. પરંતુ શરીરના બંધારણ માટે ઓર્ગેનિક કમ્પાઉન્ડ (મોલેક્યુલ) અનિવાર્ય છે. ઓર્ગેનિક મોલેક્યુલ એટલે એવો પદાર્થ જેમાં કાર્બનનો એક અણુ હોય અને બીજા પદાર્થના અણુ સાથે સંકળાયેલો હોય.

શરીરની રચાન માટે એ અનિવાર્ય અને પાયાનું બંધારણ છે. આપણા બધાના શરીર પણ એમ જ ઓર્ગેનિક મોલેક્યુલના જોડાણથી બનેલા હોય છે. નાસાના કહેવા પ્રમાણે વાઈકિંગ-૧ યાને ભૂલથી એ ઓર્ગેનિક મોલેક્યુલને બાળી નાખ્યા હતા. જે માટીમાં મોલેક્યુલ હતા એ વાઈકિંગના પ્રયોગ દરમિયાન બળી ગઈ અને તેની સાથે રહેલા સંભવતઃ જીવનના પૂરાવા પણ નષ્ટ થયા. આ રહસ્ય નાસાએ વર્ષો સુધી છૂપાવી રાખ્યું હતું,

પરંતુ વિજ્ઞાાનીઓ તેનાથી વાકેફ હતા. માટે વિવિધ દેશના સંશોધકો મંગળ પર સંશોધન કરતાં થાકતા નથી. બધાને વાઈકિંગે ગુમાવી દીધા હતા એ ઓર્ગેનિક કમ્પાઉન્ડની શોધ છે. નાસાએ હવે ૪૨ વર્ષ પછી પોતાની ભૂલનો સત્તાવાર સ્વીકાર કર્યો હતો. મંગળ ગ્રહ અત્યારે સાવ સુક્કો ભઠ્ઠ છે અને ત્યાં જીવન હોવાના કોઈ સંકેત મળતા નથી.

પરંતુ ભૂતકાળના આવા આનુષાંગિક પૂરાવાઓને કારણે સંશોધકોનો મંગળ પર જીવન શોધવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. એ વખતે નાસાના સંશોધકો ખુબ ઉત્સાહમાં આવી ગયા હતા. આજે પણ વાઇકિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સંશોધકો એ વાતને યાદ કરતાં આનંદિત થાય છે અને પછી પૂરાવા ગુમાવી દેવા બદલ શરમ પણ અનુભવે છે.