એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ (એઈએસ)ના કારણે 108 જેટલા બાળકોએ જીવનની ખરી શરૂઆત થાય તે પહેલા જ અંતિમ શ્વાસ ભર્યા છે. મંગળવારે પહેલી વખત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મુઝફ્ફરપુર મેડિકલ કોલેજની મુલાકાતે ગયા. હોસ્પિટલમાં છેલ્લા 17 દિવસથી કેટ-કેટલાય બાળકો મોતને ભેટી રહ્યા છે અને આ સીલસીલો હજી પણ યથાવત્ છે. સમગ્ર બિહારમાં અત્યાર સુધીમાં કુલ 126 બાળકોએ અંતિમ શ્વાસ ભર્યા છે.

આટલી મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા હોવા છતા પણ મુખ્યમંત્રી નીતીશ કુમારને બાળકોના પરિવારની કે હોસ્પિટલની મુલાકાત લેવાનું યોગ્ય નહતું લાગ્યું. ઉંઘમાંથી જાગેલા મુખ્યમંત્રી મંગળવારે મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ મડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં અત્યાર સુધીમાં 89 માસૂમ બાળકોએ અંતિમ શ્વાસ ભર્યા છે. SKMCH ઉપરાંત મુઝફ્ફપુરની જ કેજરીવાલ હોસ્પિટલમાં પણ 19 બાળકો આ જીવલેણ બીમારીમાં મોતને ભેટ્યા છે.

જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમાર શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર દર્દીઓ અને તેમના પરિવારોને સાંત્વના આપી રહ્યા હતા ત્યારે બીજી તરફ હોસ્પિટલની બહાર ‘નીતીશ કુમાર મુર્દાબાદ’ અને ‘નીતીશ કુમાર હાય-હાય’ના નારા લગાવાઈ રહ્યા હતા. લોકોનો આરોપ હતો કે આટલી મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા અને આવી જીવલેણ બીમારી ફેલાઈ હોવા છતા હજી પણ બાળકોને યોગ્ય સારવાાર આપવામાં નથી આવી રહી.

આ પ્રકારની જીવલેણ બીમારીના સૌથી વધારે દાખલા મુઝફ્ફપુરમાં જ જોવા મળ્યા છે. મંગળવાર સવારે SKMCHના સુપરિટેન્ડેન્ટ સુનીલ કુમાર શાહીએ જણાવ્યું કે, કુલ મળીને 330 બાળકોને એક્યુટ એન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) થવાના કારણે દાખલ કરાયા હતા જેમાંથી 145 જેટલા બાળકોને રજા આપી દેવામાં આવી છે.