મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુર ખાતે ગયા સપ્તાહે યોજાઈ ગયેલી મલેશિયન ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં પુરૂષોની સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત એકમાત્ર એવો ખેલાડી હતો, જે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શક્યો હતો. જો કે, ક્વાર્ટર ફાઈનલમાં તેનો પણ પરાજય થતાં એ સાથે જ શુક્રવારે (5 એપ્રિલ) ભારતીય પડકારનો અંત આવ્યો હતો.
ચીનના ચેન લોંગ સાથે શ્રીકાંત 21-18, 21-19થી સીધી ગેમ્સમાં હારી ગયો હતો. આ મુકાબલો બન્ને હરીફો તરફથી સાતત્ય વિનાની રમતના કારણે ખાસ રોમાંચક રહ્યો નહોતો. જો કે, શ્રીકાંત શરૂઆતમાં મુકાબલા ઉપર પ્રભુત્ત્વ જમાવી શક્યો હતો અને અચાનક તેણે પોતાની રમત, કાબેલિયતમાં જાણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો હોય તેવું લાગતું હતું. ભારતીય ખેલાડી 13-7થી અને પછી 16-11થી આગળ હોવા છતાં એ પહેલી ગેમ હારી ગયો હતો. બીજી ગેમમાં પણ 7-8 સુધી બરાબર સંઘર્ષ કર્યા પછી, સારી ટક્કર આપ્યા પછી તે પાછો પડ્યો હતો.
2017માં એક જ સીઝનમાં ચાર સુપર સીરીઝ ટાઈટલ્સ હાંસલ કરી ચૂકેલા શ્રીકાંત માટે આ દેખાવ ખુબજ નિરાશાજનક ગણી શકાય.
એ પહેલા, ગુરૂવારે પી. વી. સિંધુ તો પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં જ સાઉથ કોરીઆની સુંગ સામે હારી ગઈ હતી, જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપ્રા તથા એન. સિક્કી રેડ્ડી પણ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.