ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. એવામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ બે દિવસથી ગુજરાતમાં છે. અહીં તેઓએ બનાસકાંઠામાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો તથા લોકો જોડાયા હતા. બનાસકાંઠામાં અમિત શાહના રોડ શો દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને શંકર ચૌધરી હાજર રહ્યાં હતા. ખુલ્લા વાહનમાં અમિત શાહ બનાસકાંઠાના રસ્તાઓ પર ફર્યા હતા. આ દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સભા સંબોધનમાં અમિત શાહે કહ્યું કે અમે સ્પષ્ટ કર્યું છે કે ભાજપની સરકાર બનશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે, જ્યારે કોંગ્રેસ સહિત મહાગઠબંધનની સરકાર નેતા વગરની છે. જો અનાયાસે કોંગ્રેસની સરકાર બની તો તેમના વડાપ્રધાન રોજ અલગ અલગ હશે, જેમ કે સોમવારે માયાવતી, મંગળવારે ચંદ્રબાબુ નાયડુ, શનિવારે મમતા બેનર્જી અને રવિવારે દેશમાં રજા હશે. અમિત શાહે મોદી સરકારની પાંચ વર્ષની કામગીરી પણ વર્ણવી હતી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં ગરીબી હટાવી શકી નહી, હવે રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે, ગરીબી હટાવવાનું કામ મોદી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે.
રોડ શો બાદ ડીસામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સભાને સંબોધી હતી. જેમાં તેઓએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. જીતુ વાઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધીનેસારી રીતે ભગવાનને પગે લાગતાં પણ નથી આવડતું. રાહુલ ગાંધી ઉંધા હાથે પગે લાગે છે.રોડ શો બાદ અમિત શાહ ડીસા પહોંચશે, અહીં તેઓ કાર્યકરો તથા નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરશે. બેઠકમાં તેઓ ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી કેમ્પેઇન તથા રણનીતિ અંગે ચર્ચા કરશે.