ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રચાયેલ લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઇ લોકપાલ અનુસાર, આ બન્ને ખેલાડી એક-એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબલની ફેમિલીને આપશે. જ્યારે આટલાં જ પૈસા બ્લાઇંડ ક્રિકેટ માટે આપશે. આ રકમ 4 સપ્તાહમાં જમા કરાવવી પડશે. પંડ્યા અને રાહુલે બોલિવૂડ ફિલ્મ નિર્દેશક કરન જોહરના શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બન્ને ખેલાડી 5 વનડે મેચ નહોતા રમ્યા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ બાદ હાર્દિક અને રાહુલે આ સમગ્ર મામલે માફી માગી હતી.વિવાદ બાદ કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ જબરદસ્ત વાપસી કરી છે. રાહુલે હાલમાં ચાલી રહેલી આઇપીએલ સિઝનમાં અત્યાર સુધી 4 અર્ધસદી અને એક સદી ફટાકરી છે. જ્યારે હાર્દિક પંડ્યાએ મુંબઇ માટે સૌથી વધુ 218 રન કર્યા છે અને તેનું સ્ટ્રાઇક રેટ લગભગ 200 છે. પંડ્યા અને રાહુલને ઇંગ્લેન્ડમાં થનાર વર્લ્ડ કપ માટે પણ ટીમ ઇન્ડિયામાં સામેલ કરાયા છે.