કરણ જોહરના શોમાં મહિલાઓ વિષે અભદ્ર કોમેન્ટ્સ કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમના બે યુવા ખેલાડીઓ – વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કે. લોકેશ રાહુલ મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સત્તાવાળાઓએ તેમની સામે તપાસ યોજવાનો નિર્ણય લીધો છે અને તપાસનો રીપોર્ટ આવે નહીં ત્યાં સુધી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.
સીડનીમાં પહેલી વન ડે માટેની ટીમમાં તેમની પસંદગી કરાઈ નહોતી અને પછી સસ્પેન્શનના નિર્ણયના પગલે બન્નેને ભારત પાછા મોકલી દેવાયા હતા.
આ કેસ બીસીસીઆઈના લિગલ સેલને સોંપાયો છે, તેના અભિપ્રાય પછી ખેલાડીઓ પર પ્રતિબંધ અંગે નિર્ણય કરાશે. હાર્દિક પંડ્યાએ કરેલી કોમેન્ટસ બાદ સોશ્યલ મીડિયા પર હ થયેલા વિરોધ પછી ઓલરાઉન્ડરે માફી તો માંગી લીધી હતી, પણ બીસીસીઆઈ તેમની હરકતથી રોષે ભરાયુ છે. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે માફી માંગવી પુરતી નથી. હાર્દિકે જે વાતો કરી છે તેનાથી બોર્ડ અને ભારતીય ક્રિકેટની છબી ખરડાઈ છે.
કરણ જોહરના ટોક શોમાં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે વિવાદાસ્પદ અને અભદ્ર વાતો કરી હતી. કરણના પ્રશ્નના જવાબમાં હાર્દિકે પોતાના અંગત જીવન અંગે આપેલા જવાબમાં કહ્યુ હતુ કે મેં પહેલી વખત યુવતી સાથે શારીરિક સંબધ બાંધ્યા ત્યારે ઘરે જઈને કહ્યું હતું કે આજે તો હું આ બધુ કરીને આવ્યો છું
હાર્દિકના જવાબથી ક્રિકેટ ચાહકો પણ રોષે ભરાયા હતા. હાર્દિકે એવું પણ કહ્યું હતું કે હું પાર્ટીમાં મારા માતા પિતા સાથે ગયો ત્યારે પણ મેં કહ્યુ હતુ કે હું પાર્ટીમાં હાજર તમામ મહિલાઓને જોઈ રહ્યો છું. હાર્દિકના જવાબો બાદ લોકોએ આકરા પ્રત્યાઘાત આપ્યા પછી હાર્દિકે માફી માંગી છે. હાર્દિકે કહ્યુ છે કે મેં કોઈની લાગણી દુભાવી હોય તો હું માફી માંગુ છું. જે પ્રકારનો શો છે તેના પ્રભાવમાં આવીને હું વધારે પડતું બોલી ગયો હતો. મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો.
બીજી તરફ, લોકેશ રાહુલે તો તેમની વાતો અંગે વિવાદ ચગ્યા પછી કોઈ પ્રતિભાવ જ આપ્યો નહોતો, તેણે માફી પણ માંગી નથી.