કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં મહિસાગર પુન: બે કાંઠે વહેતી થઈ ગઇ છે. કડાણાના ઉપરવાસમાં મધ્યપ્રદેશના બજાજ સાગર ડેમમાંથી ૫.૩૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મહિસાગરની સપાટીમાં વધારો થતાં તેના કાઠા વિસ્તારમાં આવતાં પાંચ જિલ્લાના ૧૫૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડબકામાં ૧૦૦થી વધુ ગ્રામજનો ફસાતા તંત્ર દોડી ગયું હતું.
કડાણા ડેમના ઉપરવાસમાં આવેલા બજાજ સાગર ડેમના ૧૪ ગેટ લગભગ પંદર ફૂટ જેટલા ખોલી નાંખવામાં આવ્યા હતા. જેના કારણે કડાણાં ૫.૩૭ લાખ ક્યુસેક પાણીની આવક થઇ હતી, ડેમની સપાટી ૧૨૬.૬૫ મીટરે પહોચી હતી, જેના કારણે કડાણાના ૧૬ ગેટ વીસ ફૂટ તથા ચાર ગેટ છ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. ૫.૨૫ લાખ ક્યુસેક પાણીની જાવક શરૂ કરી દેવામાં આવી હતી. પાણી મહિસાગર નદીમાં પહોચતાં નદીની સપાટીમાં સતત વધારો થતાં સંતરામપુર અને કડાણાની આસપાસના ત્રણ પુલ તો પાણીમાં ગરકાવ થઇ જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તથા તંત્ર દ્વરા ડેમની સ્થિતિને ધ્યાનમાં લઇને મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ તથા વડોદરા જિલ્લાના ૧૫૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
હેઠવાસમાં આવેલા વણાંકબોરી બંધમાંથી રવિવારે બપોરે મહિ નદીમાં ૫.૨૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે આણંદ અને ખેડા જિલ્લાના કાંઠાગાળે આવેલા ૬૦ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. મહી નદીમાં પાણી છોડાતાં ગળતેશ્વર પાસે બનાવવામાં આવેલ સાવલી તાલુકાને જોડતાં બ્રીજ ઉપર પાણી ફરી વળ્યા છે. જેના કારણે આ બ્રીજ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઠાસરા તાલુકાના મહી નદીને અડીને આવેલા ૧૧ ગામોને એકદમ સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગામના સરપંચ અને તલાટીઓને ગામમાં જ રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરવાસની આવક હજુ પણ સતત ચાલુ છે.

LEAVE A REPLY

8 − one =