ફ્રાન્સના એક સમયના મોખરાના ફૂટબોલ ખેલાડી અને સુકાની તેમજ યુઈએફએના અને ફિફાના પણ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા માઈકલ પ્લાટિનીની ફ્રેન્ચ પોલીસે મંગળવારે પેરિસથી ધરપકડ કરી હતી. 2022ની વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધાનું યજમાનપદ અખાતી દેશ કતારને ફાળવવાના નિર્ણયમાં થયેલા મનાતા કરપ્શન (ભ્રસ્ટાચાર) ના કેસની તપાસમાં પ્લાટિનીની ધરપકડ કરાયાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
પ્લાટિની 2007માં ફિફાના પ્રેસિડેન્ટ ચૂંટાયા હતા અને 2015માં આ કથિત નિર્ણયમાં ભ્રસ્ટાચારના વિવાદ પછી ફિફાની એથિક્સ કમિટીએ તેના ઉપર છ વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ તો પાછળથી ટુંકાવીને ચાર વર્ષનો કરાયો હતો, પણ ફૂટબોલમાં ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહેલા તપાસકારોએ કેસની પ્રક્રિયા હેઠળ તેની ધરપકડ કરી છે. હાલમાં તેને જ્યુડિસિયલ પોલીસની એન્ટી કરપ્શન ઓફિસમાં અટકાયત હેઠળ રખાયો છે. કતારને 2022ની ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ફાળવવાનો વિવાદાસ્પદ નિર્ણય 2010માં લેવાયો હતો.
સામાન્ય રીતે આ સ્પર્ધા ઉનાળામાં યોજાય છે, પણ કતારની આકરી ગરમીના કારણે તે શિયાળામાં યોજવાનો નિર્ણય લેવાની ફિફાને ફરજ પડી હતી. ત્યાંના માનવાધિકારો વગેરે પણ વિવાદાસ્પદ બાબતો છે, જેના કારણે કતારને તે સ્પર્ધાની યજમાનગીરીના નિર્ણયે ભારે વિવાદ જગાવ્યો હતો. ફિફાએ તે નિર્ણય લેવાયા પછી તેની કારોબારી સમિતિ (એક્ઝિક્યુટીવ કમિટી) ના 24માંથી 16 સભ્યોને બરતરફ અથવા તો સસ્પેન્ડ કર્યા છે કે પછી તેમની સામે ભ્રષ્ટાચાર બાબતે તપાસના આદેશો આપેલા છે.