સમાજમાં એવી ઘટનાઓ બને છે જે જોઈને ઇશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયા વગર રહેતો નથી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં છ મહિનાની અનાથ વૈદેહીને જોઈને થોડા સમય પહેલાં દયાની લાગણી આવતી હતી પણ હવે એનું સોનેરી ભવિષ્ય જોઈને હર્ષ સમાતો નથી. હકીકતમાં વૈદેહીના જન્મના ત્રણ જ દિવસમાં તેની માતાનું મૃત્યુ થતા તે અનાથ બની ગઈ હતી પણ છ મહિનાની અનાથ દિકરી વૈદેહીને બ્રિટનના દંપતીએ વિધિવત દત્તક લીધી છે જેના પગલે હવે તેનો ઉછેર બ્રિટનમાં થશે. અહેવાલ પ્રમાણે વૈદેહીની માતા સામાજીક ગુનાખોરીનો ભોગ બન્યા બાદ હાયપર થાઈરોઈડથી પણ પીડાતી હતી અને વૈદેહીને જન્મ આપ્યાના ત્રણ-ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. બાદમાં આ બાળકી મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહી હતી. મુળ પોરબંદરના પરંતુ હાલે યુકેના ગ્લેસેસ્ટરશાયરમાં રહેતાં એનઆરઆઇ ડો.ભીમ આડેદરા અને તેમની પત્ની કેટીએ ઓનલાઇન ડેટાબેઝમાં વૈદેહીની તસવીર અને માહિતી જાઇને પુત્રી તરીકે દત્તક લેવા નિર્ધાર કર્યો હતો. તેઓ યુકેથી ભુજ આવી પહોચ્યા અને વૈદેહીને વિધિવત દત્તક લીધી હતી.  અત્યાર સુધી આ કેન્દ્ર દ્વારા પાંચ બાળકીઓને વિદેશમાં દત્તક આપવામાં આવી છે. આ બાળકીને ભણાવીને ડોક્ટર બનાવવા ઉપસ્થિત મહાનુભાવોએ દત્તક માતા-પિતાને અનુરોધ કર્યો હતો. છેલ્લા સાત માસથી આ કેન્દ્રમાં ઊછરી રહેલી બાળકીની સારસંભાળ રાખતી દીકરીઓ અને સંચાલકોએ આંસુસભર આંખોથી વિદાય આપી હતી.