ગત ર૬ એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હીથી કર્ણાટકના હુબલી જઇ રહ્યા હતા ત્યારે માત્ર ર૦ સેકન્ડથી જ તેમનું પ્લેન ક્રેશ થતાં બચી ગયું હતું. ત્યારે વિમાનમાં માત્ર ટેકનિકલ ક્ષતિ હોવાનું કારણ જણાવાયું હતું, પરંતુ કોંગ્રેસે તેને એક સાજિશ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ એવિએશન રેગ્યુલેટર ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.
ડીજીસીએ દ્વારા રચિત આ તપાસ સમિતિએ તપાસ અહેવાલ સુપરત કરી દીધો છે. એક ટીવી ચેનલે રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે જો ટેકનિક ખામી પર પાઇલટ કાબૂ મેળવત નહીં તો આગામી ર૦ સેકન્ડમાં તેના ગંભીર પરિણામો આવી શકયાં હોત, એટલે સુધી કે રાહુલ ગાંધીનું વિમાન પણ ક્રેશ થઇ શકયું હોત.
મહત્ત્વની વાત એ છે કે ૧ર જૂને જયારે ટીવી ચેનલના પત્રકારે આરટીઆઇ અરજી કરીને આ રિપોર્ટ અંગે પૂછયું હતું ત્યારે સરકારે જણાવ્યું હતું કે રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે, પરંતુ આરટીઆઇ દ્વારા આ જવાબના ૪૯ દિવસ બાદ પણ હજુ રિપોર્ટ પર રહસ્ય બનેલું છે.
દરમિયાન જે રિપોર્ટ ચેનલને હાથ લાગ્યો છે તેના પરથી એવું જાણવા મળ્યું છે કે પ્લેનમાં જ્યારે ગરબડ ઊભી થઇ ત્યારે ક્રૂએ તેના પર કાબૂ લેવામાં વિલંબ કર્યો હતો. જો ર૦ સેકન્ડની અંદર આ ગરબડ દૂર કરી શકાઇ ન હોત તો પ્લેન ક્રેશ થઇ ચૂકયું હોત. આ ઘટના વખતે પ્લેન ઓટો પાઇલટ મોડમાં હતું.
આવી સ્થિતિમાં પાઇલટે તેને મેન્યુઅલી કંટ્રોલ કરવાનું હોય છે. ક્રૂને એ દિવસે પ્લેન કંટ્રોલ કરતાં થોડો સમય લાગ્યો હતો. કોંગ્રેસ તપાસ રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી રહી છે. રિપોર્ટ એવો નિર્દેશ આપે છે કે આ ગરબડ પાછળ માનવીય ભૂલ હોઇ શકે છે. એ વખતે રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન એક બાજુ ઢળીને ગોથું ખાવા લાગ્યું હતું અને તેમાંથી અવાજ આવી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ર૬ એપ્રિલે નવી દિલ્હીથી હુબલી જઇ રહ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ગઇ કાલે રાહુલે જણાવ્યું હતું કે તેઓ અંદરથી વિચલિત થઇ ગયા હતા અને ત્યારે તેમને કૈલાસ માનસરોવરની યાદ આવી ગઇ હતી. આ સંદર્ભમાં આજે રાહુલ કૈલાસ માનસરોવરની યાત્રાએ જઇ રહ્યા છે.