સુપ્રીમ કોર્ટે બીએસપી સુપ્રીમો માયાવતીને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે તેઓ મુખ્યમંત્રી હતા તે સમયે તેમના દ્વારા બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પાછળ ખર્ચેલ તમામ નાણા પરત કરવાનો આદેશ કર્યો છે. ૨૦૦૯માં ફાઈલ કરેલી અપીલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલે ખર્ચ થયેલા નાણા પરત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની આગામી તારીખ ૨ એપ્રિલની નક્કી કરવામાં આવી છે.
માયાવતીએ વકીલને આ મામલા પર સુનાવણી મે મહીના બાદ કરવા માટે અપીલ કરી હતી પરંતુ કોર્ટે માયાવતીની આ અપીલને ફગાવી દીધી છે. મૂર્તિઓ બનાવવા પાછળ થયેલ ખર્ચા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, કે, ‘બીએસપી નેતા માયાવતીને મૂર્તિઓના નિર્માણ પાછળ કરવામાં આવેલ તમામ ખર્ચાઓની રકમને પરત કરવી પડશે.’ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આ મામલા પર હવે પછીની સુનાવણી ૨ એપ્રિલના રોજ કરવામાં આવશે.
મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘અમને લાગે છે કે આગામી સુનાવણી થાય તે પહેલા બીએસપી નેતા મેડમ માયાવતી આ તમામ ખર્ચાઓના નાણાને પરત કરી દેવા જોઈએ. બીએસપી સુપ્રીમોએ આગામી સુનાવણી પહેલા આ તમામ રકમ ચૂકવી દેવી પડશે.’ નોંધનીય છે કે, તે સમયે ઉત્તરપ્રદેશમાં માયાવતીની મૂર્તિઓ લગાવવાનો વિરોધ સમાજવાદી પાર્ટી સહિતના અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ કર્યો હતો.
માયાવતી જ્યારે મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તેમણે ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ લગાવડાવી હતી. માયાવતીએ મૂર્તિઓ ઉપરાંત ઘણા બધા બગિચાઓ અને સ્મારકો પણ બનાવ્યા છે જેમાં તેમની અને હાથીની મૂર્તિઓ પણ હતી. આ સાથે જ કાંશીરામ અને બાબા સાહેબ આંબેડકરની પણ કેટલીક મૂર્તિઓ તેમના કાર્યાલયમાં લગાવી હતી.