ભારતમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીના પગલે સુઝુકી મોટર્સે ગુજરાતના હાંસલપુર ખાતેના પ્લાંટમાં ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના હાલ પુરતી પડતી મૂકી છે. એક અંગ્રેજી અખબારે કંપનીમાં પોતાના જાણકાર સુત્રોના આધારે માહિતી આપી છે કે સુઝુકી મોટર્સ પોતાની વિસ્તરણ યોજના પર હમણા કામ નહિ કરે.

હાંસલપુર પ્લાન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા 5 લાખ કારની છે અને કંપની ત્રીજી એસેમ્બ્લિંગ લાઇન નાખી રહી છે જે એપ્રિલ 2020 સુધીમાં તૈયાર થઇ જશે અને ગુજરાત પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધીને 7.5 લાખ કારની થઇ જશે.
ગુજરાતના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને 15 લાખ કાર કરવાની કંપનીની યોજના હતી. નોંધનીય છે કે જુન મહિનામાં પેસેન્જર ગાડીઓના વેચાણમાં 17.54% ઘટાડો નોંધાયો છે.

કંપની સુત્રોએ એમ જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યાં સુઝુકીનો પ્લાન્ટ આવેલો છે તે વિસ્તારમાં માળખાગત સુવિધાનો અભાવ છે. આ ઉપરાંત અનુભવી કારીગરો મળતા નથી અને આ પણ એક કારણ છે જેને લઇ ને સુઝુકીએ રાજ્યમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના અટકાવી છે. આ સિવાય કંપનીના ઘણા વેન્ડરોએ અહી પ્લાન્ટ નાખ્યો ન હોવાથી મોટાભાગના પાર્ટ્સ બહારથી લાવવા પડે છે જેના કારણે તેની ઓપરેશનલ કોસ્ટ વધી જાય છે. હાલમાં આ પ્લાંટમાં બલેનો અને સ્વિફ્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે.