જો મારું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને બલિનો બકરો બનાવવામાં આવશે તેમ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ જસ્ટિસ વિલિયમ ડેવિસ સમક્ષ હાઇકોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે બ્રિટનના ગૃહ પ્રધાનના ચાર ફેબુ્રઆરીના પ્રત્યાર્પણ આદેશની વિરુદ્ધ દાખલ અપીલના પક્ષમાં કરેલી દલીલને ફગાવી દીધી હતી.
આ સાથે જ શરાબના ઉદ્યોગપતિ પાસે કાયદાકીય માર્ગો ઓછા રહી ગયા છે.જજે પાંચ પાનાના આદેશમાં પાંચ ફેબુ્રઆરીના આદેશની વિરુદ્ધ અપીલ કરવા મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ અપીલમાં માલ્યાએ દાવો કર્યો હતો કે ભારત બ્રિટનની સાથે પ્રત્યાર્પણ સંધિનો અમલ કરશે નહીં.
માલ્યાની પાસે ઓપન કોર્ટમાં અપીલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય છે. જો માલ્યા અપીલ કરશે તો હાઇકોર્ટના જજ તેની સુનાવણી કરશે. જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માલ્યાની પાસે હવે ઘણા ઓછા કાયદાકીય વિકલ્પો બાકી રહ્યાં છે.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસમાં પ્રત્યાર્પણના પૂર્વ પ્રમુખ નિક વામોસ કે જે બ્રિટનની કોર્ટની સુનાવનણીમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે અપીલ કરવા માટેની અરજી લેખિતમાં ફગાવવી માલ્યા માટે મોટો આંચકો છે.
જો તેની મૌખિક અરજી પણ ફગાવવામાં આવશે તો તેનો પ્રત્યાર્પણનો આદેશ ફાઇનલ થઇ જશે. વામોસે આગળ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં તેને ૨૮ દિવસમાં ભારત પરત ફરવુ પડશે. જો કે યોગ્ય કારણ હોવા છતાં તેના પ્રત્યાર્પણનો સમય વધી શકે છે. માલ્યા એક સમયે રાજા જેવું વૈભવી જીવન ગુજારતો હતો. તે ૨૦૧૬માં ભારતમાંથી ભાગીને બ્રિટન જતો રહ્યો હતો.