પોશીના તાલુકાના ગુણભાંખરી અને કૂકડીમાંથી પસાર થતી વાકળ નદીમાં સોમવારે બપોરે ન્હાવા પડેલા કિશોરો પૈકી ગુણભાંખરીના કિશોરનો જમણો પગ મોઢામાં લઇ મગરે ઊંડા પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કરતા સાથી કિશોરોએ હિંમત હાર્યા વગર કિશોરને પકડી લઇ મગરના જડબામાંથી છોડાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ કિશોરને ખેડબ્રહ્મા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સોમવારે બપોરે ગુણભાંખરી અને કૂકડી ગામના કિશોરો વાકળ નદીના પાણીમાં ન્હાવા પડ્યા હતા તે દરમિયાન ધો-8માં અભ્યાસ કરતા સંદીપ કમલેશભાઇ ગમાર નો જમણો પગ મગરે જડબામાં લઇ લેતા સંદીપે રાડ પાડી હતી તેની સાથેના કૂકડી ગામના મિત્રો જયંતિભાઇ બાબુભાઇ ગમાર, કપીલભાઇ ચંદુભાઇ વનરાજભાઇ ફોજીભાઇ અને સાકાભાઇ બચુભાઇએ હિંમત હાર્યા વગર સંદિપને પકડી લીધો હતો અને ખેંચીને મગરના જડબામાંથી બહાર કાઢી લીધો હતો અને કિનારે લઇ આવ્યા હતા.
108ને જાણ કરવામાં આવતા ખેરોજ 108 ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ખેડબ્રહ્મા જનરલ હોસ્પીટલમાં પહોંચાડ્યો હતો. ડૉ. ગઢવી એ જણાવ્યુ હતુ કે કિશોરના જમણા પગના હાટકાને ગંભીર ફ્રેક્ચરો થયેલ હોવાથી પ્રાથમિક સારવાર આપી હિંમતનગર સિવિલમાં રીફર કરાયો હતો અને પછી વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તના પિતા કમલેશભાઇએ જણાવ્યુ કે સંદીપને જમણા પગે ગંભીર ઇજાઓ છે અને ડાબા પગે મગરના દાંત વાગેલા છે.