આઈપીએલ 2019ની લીગ સ્ટેજનો રવિવારે (પાંચ મે) અંત આવ્યો છે અને હવે આ સપ્તાહમાં મંગળવારે, બુધવારે, શુક્રવારે પ્લે ઓફ્સ અને એલિમિનેટર મેચ રમાશે તેમજ રવિવારે ફાઈનલ સાથે આ લોકપ્રિય ક્રિકેટ કાર્નિવલનો ભારતમાં આ વર્ષે અંત આવશે. લીગ સ્ટેજના અંતે મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પોઝિશનમાં રહ્યું હતું, તો ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને આવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ ત્રીજા ક્રમે તેમજ સનરાઈઝર્સ હૈદ્રાબાદ ચોથા ક્રમે પ્લે ઓફ્સ માટે ક્વોલિફાય થયા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સને તક હતી પણ તે અંતિમ મેચમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી જતાં બહાર ફેંકાઈ ગયું હતું. કિંગ્સ ઈલેવન પંજાબે તો રવિવારે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી વિજય હાંસલ કર્યો હતો, છતાં પ્લે ઓફ્સમાં તે પહોંચી શક્યું નહોતું.
મંગળવારે ચેન્નાઈમાં રમાનારા પહેલા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો રહેશે, તો બુધવારે વિશાખાપટ્ટણમમાં રમાનારા પહેલા એલિમિનેટર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચે જંગ જામશે. બીજી ક્વોલિફાયર મેચ પણ વિશાખાપટ્ટણમમાં જ શુક્રવારે રમાશે, જ્યારે ફાઈનલ રવિવારે હૈદ્રાબાદમાં રમાશે.
મુંબઈ સામે કોલકાતા હાર્યું, પ્લે ઓફ્સમાંથી બહારઃ રવિવારે રમાયેલી બે અંતિમ લીગ મેચમાંથી બીજી અને છેલ્લી મેચમાં મુંબઈએ પોતાના ઘર આંગણે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવી લીગ સ્ટેજના અંતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, ટોપર રહેવાની ચેન્નાઈની આશા સામે મોટો પડકાર ઉભો થયો હતો. મુંબઈના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી હરીફોને પહેલા બેટિંગ માટે મેદાનમાં ઉતાર્યા હતા. કોલકાતાની ટીમ 20 ઓવર્સમાં 7 વિકેટે ફક્ત 133 રન કરી શક્યું હતું. મુંબઈએ ફક્ત એક વિકેટ ગુમાવીને, 16.1 ઓવર્સમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રોહિત શર્માએ અણનમ 55 તથા સૂર્યકુમાર યાદવે અણનમ 46 કર્યા હતા. ક્વિન્ટન ડી કોક 30 રન કરી આઉટ થયો હતો.
કોલકાતાની ઈનિંગમાં ક્રિસ લીનના 41 અને રોબિન ઉથપ્પાના 40 રન મુખ્ય હતા, તો મુંબઈ વતી લસિથ મલિંગાએ ત્રણ તથા જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટો ઝડપી હતી.
ચેન્નાઈ સામે વિજય છતાં પંજાબ પ્લે ઓફ્સમાં પહોંચ્યું નહીંઃ તો રવિવારની અન્ય મેચમાં ઓપનર ફાફ ડુ પ્લેસિસે 96 અને સુરેશ રૈનાએ 53 રન કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની અંતિમ લીગ મેચમાં પાંચ વિકેટે 170 રનનો સારો, પડકાર જનક સ્કોર કર્યો હતો. પણ જવાબમાં લોકેશ રાહુલની 36 બોલમાં 71 રનની ધમાકેદાર બેટિંગ અને એ પછી ક્રિસ ગેઈલ તથા એન. પૂરનની બેટિંગના સહારે 18 ઓવર્સમાં જ ચાર વિકેટે 173 રન કરી છ વિકેટે વિજય મેળવ્યો હતો. જો કે, તેમછતાં એ પ્લે ઓફ્સમાં પ્રવેશી શક્યું નહોતું.
મોહાલીમાં રમાયેલી આ મેચમાં વિજય છતાં રનરેટમાં પંજાબ કરતાં હૈદ્રાબાદ આગળ હોવાથી તેને પ્લે ઓફ્સમાં સ્થાન મળ્યું હતું.