ભારતની બોક્સિંગ સ્ટાર એમ. સી. મેરિકોમે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનો ઝંડો દુનિયાભરમાં લહેરાવ્યો છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. ઉત્તર કોરિયાની કિમ હ્યાંગ મિ સામે 5-0થી વિજય સાથે મેરીકોમે આ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2014ની એશિન ગેમ્સ પછી મેરિકોમનો આ પ્રથમ ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ છે. ગયા સપ્તાહે બુધવારે (8 નવેમ્બર) 35 વર્ષિય મેરિકોમનો મુકાબલો તેના આક્રમક હરીફ કિમ હ્યાંગ મિ સાથે હતો અને આ મુકાબલા માટે મેરિકોમ પહેલેથી જ તૈયાર હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે ત્રણ મિનીટ સુધી રસાકસીનો માહોલ ઊભો થયો હતો અને એકબીજાને પરાજય આપવા માટે શરૂઆતથી બન્ને ખેલાડીઓ આક્રમક રહ્યા હતા. બન્ને ખેલાડીઓ એકબીજાને ખૂબ ઝડપથી પંચ મારતા હતા. મેરીકોમે  હરીફના એક પણ વારથી વિચલિત થયા વગર પૂરતી ધીરજ સાથે રમી જીતનુ પલ્લુ પોતાની બાજુ નમાવ્યું હતું.