વડાપ્રધાન મોદીએ ભાવનગરમાં ઘોઘા- દહેજ બંદરે રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને દરિયાઈ માર્ગે જોડતા આ પ્રોજેક્ટનું ઘોઘા ખાતે આયોજિત સમારોહમાં લોકાર્પણ કરતામોદીએ કોંગ્રેસનો નામોલ્લેખ કર્યા વગર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો ભૂતકાળની સરકારોએ દરિયાની તાકાત ઓળખી હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી લોકોને સ્થળાંતર ન કરવું પડયું હોત. એટલું જ નહીં, શહેરોમાં જુગ્ગી ઝોપડીઓમાં જીવન જીવવા મજબૂર ન થવું પડયું હોત. અગાઉની સરકારોમાં પોર્ટ સેક્ટર સાવ ઉપેક્ષિત રહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસ શરૃ થવાની છે તેવી વાત શાળાના અભ્યાસ દરમિયાન સાંભળી હતી. કદાચ ત્યારે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હશે. પરંતુ સરકારો તો આવીને ગઈ, ભાવનગરમાંથી પણ અડીખમ નેતાઓ આવીને ગયા, પરંતુ સારા કામ બધા મારા નસીબે લખાયેલા છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે ભારત સરકારમાં એવા લોકો બેઠા હતા, જેઓ દરિયામાં કંઈક કરવું હોય તો કરવા નહોતા દેતા. વિકાસ પર પ્રતિબંધ હતો. સારા ઉદ્યોગોને પણ પર્યાવરણના નામે સમસ્યા ઉભી હતી. પરંતુ હું વડાપ્રધાન બન્યો તે પછી બધી સમસ્યા ઉકેલાતી ગઈ. એવો તેમણે દાવો કર્યો હતો. અગાઉની સરકારોની નીતિ એવી હતી કે, જેણે ફેરી ચલાવવાની હોય તેને જ ટર્મિનલ બનાવવાનું કહેવાતું. હવે કદી એવું હોઈ શકે કે વાહન ચલાવનારને જ માર્ગ બનાવવાનું કહેવામાં આવે ? તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે દાવો કર્યો કે, અગાઉની સરકારની આ નીતિઓ બદલવામાં આવી છે. ડ્રેજિંગનો ખર્ચ સરકાર ઉઠાવે છે જ્યારે ફેરીનું સંચાલન પ્રાઈવેટ એજન્સીને સુપ્રત કરાશે. તેમણે ઘોઘા અને પીરમના રાજવી વીર મોખડાજીદાદાને યાદ કરતા જણાવ્યું કે, તેઓ તેમને નમન કરી પરંપરાનું પાલન કરશે. જેથી વીર મોખડાજી દાદાના આશીર્વાદ આ પ્રોજેક્ટ પર અને યાત્રીઓ પર વરસતા રહે. આ પ્રોજેક્ટ એક પડકાર હતો તેમ જણાવી તેમણે કહ્યું કે, વરૃણદેવે પણ ખૂબ પરીક્ષા કરી હતી. સેતુના નિર્માણમાં બાધા ઉત્પન્ન થઈ હતી. પરંતુ સમુદ્રમંથનથી જેમ અમૃત નિષ્પન્ન થયું હતું તેમ અહીં આ જલસેતુ પ્રાપ્ત થયો છે.