ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી બપોરે દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી આબે તથા ડેલિગેશન સાથે બપોરે ૩-૩૦ વાગે સીધા ટોકિયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કરશે. વડા પ્રધાન મોદીએ ટ્વિટર મારફતે કહ્યું, ‘અમદાવાદ અને ભારત PM શિન્ઝો આબેને આવકારવા તૈયાર છે’. એરપોર્ટથી ગાંધી આશ્રમ, ત્યાંથી વસ્ત્રાપુર, વસ્ત્રાપુરથી એસપી રિંગ રોડ થઈને ગાંધીનગર મહાત્મા મંદિર, સાબરમતી સ્ટેશન સુધીના માર્ગો પરની સ્વચ્છતા, તેનું સુશોભન, બંને તરફની તૈયારીઓ, સુરક્ષાની વ્યવસ્થા આ બધાનું વિહંગાવલોકન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું આ વાક્ય અમદાવાદે ચરિતાર્થ કર્યું હોવાનું પુરવાર થાય છે, દરેક શહેરવાસી પૂર્વની સમૃદ્ધ પરંપરાઓ ધરાવતા અને સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડતું હોવાનું મનાય છે તેવા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને ‘ભલે પધાર્યા’ કહેવા થનગની રહ્યો છે! જાપાનના વડા પ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા અમદાવાદ શહેરની સજાવટ થઈ છે, શહેર સજ્જ થયું છે. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અહીંથી બંને મહાનુભાવોનો રોડ શો શરૂ થશે. ગાંધી આશ્રમ સુધીના આ રોડ શોમાં બંને બાજુ ભારતના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નૃત્યો અને કલાનું નિદર્શન થશે.  બુધવારે શિન્ઝો આબે સાબરમતી આશ્રમથી વસ્ત્રાપુરની હોટેલમાં વિસામો લેવા જશે. સાંજે નરેન્દ્ર મોદી તેમને અમદાવાદની અનન્ય ઓળખ સમાન સિદ્દી સૈયદની જાળીનો વૈભવ બતાવશે. ત્યાંથી જ સામે અગાશીએ રેસ્ટોરેન્ટમાં ગુજરાતી વ્યંજનોનું રાત્રિ ભોજન હશે. ગુરૂવારે સવારે રૂ. ૧.૦૮ લાખ કરોડના ૫૦૮ કિમી લાંબા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, ત્યાંથી મહાત્મા મંદિરમાં ચોથી વાર્ષિક પરિષદ, સુઝુકીના બેચરાજીના પ્લાન્ટનું રિમોટ ઉદ્ઘાટન ઉપરાંત ગુજરાતમાં અંદાજે રૂ. પાંચ લાખ કરોડના મૂડીરોકાણ સહિતના વિવિધ કરારો પર હસ્તાક્ષર થશે. અમદાવાદ અને ભારત વડા પ્રધાન શિન્ઝો આબેને આવકારવા તૈયાર છે. જાપાન સાથેના સંબંધોની ભારત દિલથી કદર કરે છે અને વ્યાપક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધો વધુ ગાઢ બનાવવા ભારત આતુર છે.

LEAVE A REPLY