આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં દેશને મંદીની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરીંગમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજૂરી આપી છે. આ ઉપરાંત સિંગલ બ્રાંડ રિટેલનું કામ પણ સરળ કર્યું છે અને ડિજીટલ મીડિયામાં પણ 26 ટકા FDIને મંજૂરી આપી છે. ભારત સરકારના રેલવે અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે સરકારના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોલસાના માઇનિંગ અને તેના વેચાણ માટે 100 ટકા FDIને મંજૂરી આપશે. કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરીંગ FDIની મંજૂરી મળવાથી વિદેશીઓ ભારતમાં આવીને પોતાનો સામાન બનાવી શકશે. સિંગલ બ્રાંડ રીટેલ સેક્ટરમાં 30 ટકા સ્થાનિક લોકો અંગેના નિયમોને પણ સરળ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગોયલે વધુમાં જણાવ્યું કે, ભારતમાં 286 બિલિયન ડોલરની FDI આવ્યું છે. ભારતમાં વિવિધ કંપનીઓ ઉત્પાદન એકમ સ્થાપવા ઇચ્છે છે પરંતુ કેટલાક કાયદાને કારણે તેમાં સમસ્યા હતી તેને આજે સરળ કરવામાં આવી છે, જેનાથી મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવશે. આ રોકાણને કારણે આર્થિક પ્રગતિ થશે અને યુવાનોને વધુ રોજગાર પણ મળશે.