કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે હરિયાણાના જિંદ ખાતે એક જાહેરસભામાં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારે 70 દિવસમાં ઐતિહાસિક નિર્ણય દ્વારા કલમ 370ની નાબૂદ કરી છે જે એક સીમાચિહ્ન પગલું છે. દેશની અખંડિતતા અને એકતાની દિશામાં આ આવકાર્ય પગલું હતું અને હવે રાજ્યનો વિકાસ નિશ્ચિત થશે.
દરમિયાન વડાપ્રધાન મોદીએ 73માં સ્વતંત્રતા પર્વ પર કરેલા ભાષણમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો ઉલ્લેખ કર્યો હતો તેનું સમર્થન ગૃહ મંત્રી અમિત શાહે કર્યું હતું. શાહે જણાવ્યું કે આનાથી દેશની સુરક્ષા અનેકગણી મજબૂત થશે.
1999ના કારગિલ યુદ્ધ બાદ આ પોસ્ટ માટે ભલામણ કરવામાં આવી હતી. આ પદની મદદથી લશ્કરની ત્રણેય પાંખનું યોગ્ય સંકલન સંભવ બનશે અને સરકાર તેમજ લશ્કર વચ્ચેનો સમન્વય પણ મજબૂત થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વડાપ્રધાન માટે સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતો બન્ને માટે એક સલાહકારની ભૂમિકા ભજવી શકશે.
હરિયાણામાં આગામી ચૂંટણી અગાઉ જિંદમાં એક રેલીને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, 370 નાબૂદ થતા જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખનો વિકાસ થશે અને આ ક્ષેત્ર આતંકવાદ મુક્ત બનશે. મોદી સરકારે ફરી સત્તામાં આવ્યાના 75 દિવસમાં આ ઉલ્લેખનીય પગલું ભર્યું છે. અગાઉ 72 વર્ષો સુધી વોટ બેન્કની રાજનીતિ કરનારા પક્ષોએ આ તરફ કોઈ કાર્યવાહી કરી નહતી. હરિયાણામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા અને સરકારી નોકરીઓમાં પારદર્શકતા લાવવા બદલ તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સરાહના પણ કરી હતી.