છેલ્લા પાંચ દિવસથી અનશન કરી રહેલા સામાજિક કર્મશીલ અણ્ણા હજારેએ એવી ચેતવણી આપી છે કે કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકાર જો પોતાના વાયદા પૂરા નહીં કરે તો તેઓ પોતાનો પદ્મભૂષણ એવોર્ડ પરત કરી દેશે.
આ અગાઉ ભાજપના સાથી પક્ષ શિવસેનાએ અણ્ણા હજારેને સમર્થન જાહેર કર્યું હતું અને તેમને એવી અપીલ કરી છે કે તેઓ સમાજવાદી કાર્યકર જયપ્રકાશ નારાયણની જેમ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરે. અણ્ણા હજારેએ કેન્દ્રમાં લોકપાલ અને મહારાષ્ટ્રમાં લોકાયુકતની તત્કાળ નિમણૂક તેમજ ખેડૂતોના મુદ્દાઓના નિરાકરણ માટે બુધવારથી અહમદનગર જિલ્લામાં આવેલ પોતાના પૈ‌તૃક ગામ રાલેગણસિદ્ધિમાં અનશન શરૂ કર્યા છે.
અણ્ણા હજારેએ રાલેગણસિદ્ધિથી એવી તાકીદ કરી છે કે જો સરકાર આગામી કેટલાક દિવસોમાં દેશને કરેલા પોતાના વાયદા પૂરા નહીં કરે તો હું મારો પદ્મભૂષણ પરત કરી દઇશ. મોદી સરકારે લોકોનો વિશ્વાસ ભંગ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૮૧ વર્ષીય સામાજિક કર્મશીલ અણ્ણા હજારેને ૧૯૯રમાં ત્રીજું સૌથી મોટું નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું.
અણ્ણા હજારે કેન્દ્રમાં ભ્રષ્ટાચાર વિરોધી એકમ લોકપાલ અને રાજ્યોમાં લોકાયુકતોની નિમણૂક ઉપરાંત ખેડૂતોની મુશ્કેલીઓ હદ કરવા માટે સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ કરવા તેમજ વ્યાપક ચૂંટણી સુધારા કરવાની માગણી કરી રહ્યા છે. સામાજિક કર્મશીલ અણ્ણા હજારેની માગણીનાં સમર્થનમાં ખેડૂતો અને યુવાનો પણ આગળ આવ્યા છે.
ખેડૂતો અને યુવાનોએ અહીંથી ૩૮ કિ.મી. દૂર પારનેર તાલુકાના સૂપા ગામમાં અહમદનગર-પુણે સ્ટેટ હાઇવેને જામ કરી દીધો હતો. સડકની બંને બાજુ છ કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકજામ દૂર કરવા માટે ૧૧૦ આંદોલનકારીઓની અટકાયત કરી હતી અને પાછળથી તેમને છોડી મૂકયા હતા. અણ્ણા હજારેના સહયોગીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના પ,૦૦૦ ખેડૂતો અણ્ણા હજારેના આંદોલનના સમર્થનમાં આજે અહમદનગરની કલેકટર કચેરી સમક્ષ દેખાવો કરશે.