ભારતીયોના મોબાઈલ નંબર બહુ જલદી બદલાઈ જવાના છે. સરકાર આ માટે તૈયારીઓ કરી રહી છે. હવે મોબાઈલ નંબર 10 આંકડાઓનો નહીં પરંતુ 13 આંકડાઓનો જોવા મળશે. પહેલી જુલાઈ  2018 બાદ નવો નંબર લેવા જશો તો 13 આંકડાનો મોબાઈલ નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે આ માટે તમામ રાજ્યોને આ સંબંધે નવા નિર્દેશ જારી કરી દીધા છે. બીએસએનએલએ પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોના મુજબ 10 અંકોના લેવલમાં હવે નવા મોબાઈલ નંબરોની કોઈ શક્યતા રહી નથી. આ જ કારણે 10થી વધુ આંકડાના મોબાઈલ નંબર શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ મોબાઈલ નંબરોને 13 આંકડાના કરવામાં આવશે.
મોબાઈલ નંબરની નવી સિરીઝ આવવાથી તમામ સેવા આપતી કંપનીઓએ પોતાની સિસ્ટમ અપડેટ કરવાની રહેશે. આ સંબંધમાં તમામ સર્કલની દૂરસંચાર સેવા આપતી કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યાં છે. બીએસએનએલના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ડિસેમ્બર 2018 સુધીમાં જૂના મોબાઈલ નંબરો પણ આ પ્રક્રિયા અંતર્ગત અપડેટ થશે. વર્તમાનમાં ચાલી રહેલા 10 આંકડાના મોબાઈલ નંબરોને ઓક્ટોબરથી 13 આંકડા મુજબ અપડેટ કરવાનું શરૂ કરી દેવાશે. આ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવું પડશે.