મોબ લિન્ચિગંની ઘટનાઓને રોકવા માટે તાજેતરમાં વિવિધ ક્ષેત્રની 49 હસ્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. હવે આ મુદ્દે બચાવપક્ષમાં 61 જાણીતી હસ્તિઓએ પણ ખુલ્લો પત્ર લખીને આ વિરોધને ‘સિલેક્ટિવ ગુસ્સો’ ગણાવ્યો હતો.

આ હસ્તિઓએ પત્ર લખીને વડાપ્રધાનને લખાયેલા પત્રને લખનાર જૂજ લોકોનો જ ગુસ્સો ગણાવ્યો હતો અને ખોટું નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જે 61 લોકોએ પત્રમાં હસ્તાક્ષર કર્યા છે તેમાં અભિનેત્રી કંગના રનૌત, લેખક પ્રસૂન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, મ્યુઝિશીયન પંડિત વિશ્વ મોહન ભટ્ટ તેમજ ફિલ્મ નિર્માતા મધુર ભંડારક તેમજ વિવેક અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે.

મોદીને પત્ર લખનારા કલાકારો અને બુદ્ધિજીવીઓને આ લોકોએ ‘સ્વયંભૂ રક્ષક’ ગણાવીને કટાક્ષ કર્યો હતો. એટલું જ નહીં તેમની પત્ર લખવાના હેતુ પર પણ સવાલ ઉભો કર્યો હતો. પત્રમાં દાવો કરાયો છે કે વિરોધનો ઉદ્દેશ રાજકીય છે. આ હસ્તિઓએ વડાપ્રધાનને પત્ર લખનારા લોકો સમક્ષ સવાલ કર્યો કે નક્સલી હુમલામાં આદિવાસીઓ અને ગરીબોના મોત પર આ લોકો શા માટે ચૂપ હતા.

કાશ્મીરમાં જ્યારે અલગતાવાદીઓએ શાળાઓ બંધ કરાવી, ત્યારે આ બુદ્ધિજીવીઓ ક્યાં હતા. આ સાથે જ જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર મામલે પણ સવાલ ઉઠાવતા 61 હસ્તિઓએ પત્રમાં ઉમેર્યું કે દેશના ટુકડે-ટુકડા કરીશું તેવા સૂત્રો દરમિયાન આ લોકોએ શા માટે પોતાની વાત રજૂ કરી નહીં.

અગાઉ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, એક્ટર કૌશિક સેન, રિદ્ધી સેન, કોંકણા સેન શર્મા સહિતના સેલેબ્સે વડાપ્રધાન મોદીને ખુ્લ્લો પત્ર લખીને દેશમાં ટોળા દ્વારા કરાતી હત્યા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ‘જય શ્રી રામ’ના સૂત્રનો ઉપયોગ હિંસક રીતે કરવામાં આવી રહ્યો હોવાના મુદ્દે ખેદ વ્યક્ત કર્યો હતો. આ હસ્તિઓએ દલિતો અને લઘુમતીઓની ટોળા દ્વારા હત્યા સામે કેન્દ્ર સરકાર કડક કાયદો ઘડે તેવી માંગ પણ કરી હતી.