ભારતનું કાર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ત્યાં વધી રહેલી તકોને ધ્યાનમાં લઈને લગભગ તમામ વિદેશી કંપનીઓ પણ ભારત તરફ વળી રહી છે. યુકેની લોરેટી મોટર્સનું નામ પણ આ રેસમાં ઉમેરાયું છે. લંડનની કંપની લોરેટી ઓટોમોટિવ કોર્પોરેશનની 2021માં ભારતમાં ઈલેકટ્રીક એસયુવી ડીયનએક્સ લોંચ કરવાની યોજના છે. કંપની સ્વચ્છ ઉર્જાથી ચાલતા વાહનોને પ્રોત્સાહિત કરવા માટે આ વાહન ઈન્ડિયાની બજારમાં ઉતારશે.

લોરેટી પોડેંચેરીમાં એક ઉત્પાદન મથકની સ્થાપના કરવા માટે 37 કરોડ ડોલર (લગભગ 2,577 કરોડ રૂપિયા)ના રોકાણની પ્રક્રિયામાં છે. આ ફેક્ટરીની પ્રારંભિક વાર્ષિક ક્ષમતા 10,000 વાહનોની હશે, જે 2023 સુધીમાં વધારીને 20,000 કરવામાં આવી શકે છે. ડીયનએક્સ તથા તેના સ્પેર્સનું ઉત્પાદન તથા એસેંબલિંગનું કામ એ યુનિટમાં કરાશે. લોરેટી ઓટોમોટિવ કોર્પોરેશનના સીઈઓ માર્ક્સ પલેટીએ કહ્યું કે’આ એકમમાં કામગીરી 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શરૂ કરવાનું આયોજન છે. તેમણે જણાવ્યું કે આ મોડલ 2021માં યુરોપ અને ભારતીય માર્કેટમાં એકસાથે રજુ કરાશે. કંપનીના દાવા મુજબ આ કાર એકવાર ચાર્જ કર્યા પછી 540 કિલોમીટર સુધી ચાલી શકે છે. કંપની પોતાના વાહનો માટે ભારતમાં પેટન્ટ ધરાવતી ચાર્જીંગ સીસ્ટમ્સનું બહોળુ નેટવર્ક પણ સ્થાપવાનું આયોજન ધરાવે છે, જેમાં ભારતની કેન્દ્ર તથા રાજ્યોની સરકારો સાથે સંકલન હેઠળ ઘરગથ્થુ તેમજ કોમર્સિયલ મળી કુલ એક લાખ ચાર્જીંગ પોઈન્ટ્સ ઉભા કરવાનો ટાર્ગેટ છે. હાલમાં કંપનીના મોટા ભાગના ઓપરેશન્સ યુકેમાં તથા સ્પેઈનમાં ચાલી રહ્યા છે.