ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સ માટે યુકેમાં નોકરીની તકો વધી શકે છે. વાસ્તવમાં, બ્રિટન નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે ૨૦૭૦૦ની એન્યુઅલ રિક્રુટમેન્ટ કેપમાં પીએચડી સ્તરના વ્યવસાયોને દૂર કરવા માટે સુધારો કરી રહ્યું છે. જેનો અર્થ એ છે કે આવા ઉમેદવારોની ભરતી માટે કોઈ મર્યાદા રાખવામાં નહીં આવે.

આ પ્રકારના બ્રિટિશ સરકારના નિર્ણયથી વધુ પ્રમાણમાં ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સ યુનાઈટેડ કિંગડમમાં નોકરીઓ મેળવવાની તક પ્રાપ્ત કરી શકે છે. સંસદમાં બ્રેક્ઝિટ સંબંધિત ડેવલપમેન્ટના પરિદશ્યમાં થેરેસા મેની સરકાર દ્વારા બુધવારે આ પ્રકારની ઘોષણા કરવામાં આવી હતી.

ચાન્સેલર ફિલીપ હમોન્ડે પોતાના એક લેખિત નિવેદનમાં હાઉસ ઓફ કોમનને જણાવ્યું હતું કે નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે ૨૦૭૦૦ની એન્યુઅલ રિક્રુટમેન્ટ કેપ રિવાઈઝ કરવામાં આવશે કે જેથી પીએચડી સ્તરના વ્યવસાયોને દૂર કરી શકાય. જેનો અર્થ એ છે કે આવા ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ મર્યાદા રાખવામાં નહીં આવે.

હેમોન્ડે કહ્યું હતું, ‘ઓટમ ૨૦૧૯થી, પીએચડી સ્તરના વ્યવસાયોને ટીઅર-૨ (જનરલ) કેપમાંથી મુક્તિ અપાશે અને એ સાથે જ સરકાર ઈમિગ્રેશન નિયમોમાં પણ ફેરફાર કરશે. જેમાં ૧૮૦ દિવસની ગેરહાજરી અંગેના નિયમમાં પણ ફેરફાર થશે. જેથી સંશોધકો વિદેશમાં ફિલ્ડવર્ક કરી રહ્યા છે તેઓ યુકેમાં સેટલ થવા માટે અરજી કરે તો તેમને કોઈ પેનલ્ટી લાગશે નહીં.’

આ પરિવર્તન વાસ્તવમાં બ્રેક્ઝિટ પછીની સ્થિતિમાં હાલની વાર્ષિક મર્યાદા દૂર કરવા માટે છે. જેનું સૂચન અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (મેક) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘોષણાને યુકેની યુનિવર્સિટીઝ દ્વારા આવકારવામાં આવી છે.

ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સને ૫૪ ટકા જેટલા તમામ વર્ક સંબંધિત વિઝા આપવામાં આવ્યા છે. નવા ફેરફારથી જે ભારતીય વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીઝમાં પીએચડી સ્તરના અભ્યાસક્રમોમાં સામેલ છે તેઓ અભ્યાસ પૂર્ણ થયે કામ મેળવી શકે છે, કેમકે ભારતમાંથી વધુ નિષ્ણાતોની ભરતી કરવા માટે યુકેની કંપનીઓને આનાથી મદદ મળવાની છે.

યુનિવર્સિટીઝ યુકે ઈન્ટરનેશનલના ડિરેક્ટર વિવિએન સ્ટર્ને કહ્યું હતું, ‘આ ભારતીય સંશોધકો માટે જોરદાર સમાચાર છે કે જેઓ યુકેમાં કામ કરવા માગે છે અને યુકે યુનિવર્સિટીઝ માટે કે જેઓ વિશ્વભરમાંથી વૈવિધ્યપૂર્ણ પ્રતિભાઓને એકત્ર કરવા માગે છે તેમને મદદ મળશે.’ યુકે યુનિવર્સિટીઝ સતત વિશ્વકક્ષાના રિસર્ચ કરે છે.

યુકે યુનિવર્સિટીઝનું પ્રતિનિધિત્વ વિશ્વભરમાં કરનાર સંસ્થાના ડિરેક્ટરે કહ્યું હતું, ‘યુકેના અનેક અગ્રણી સંશોધકો, બાયોમિકેનીક્સથી લઈને જેન્ડર પોલિટિક્સ સુધીના ક્ષેત્રના લોકો ભારતમાંથી આવે છે. યુરોપની બહાર, ભારત ત્રીજો વિશાળ દેશ છે કે યુકેમાં એકેડેમિક સ્ટાફ આપે છે.’