રશિયાના ન્યોનોસ્કામાં રોકેટ પરીક્ષણ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં પાંચ પરમાણું વૈજ્ઞાનિકનો મોત થયા, જ્યારે નવ ઘાયલ થયા છે. મળતા અહેવાલ મુજબ, આ દુર્ઘટના બાદ ન્યોનોસ્કાથી 47 કિમી દૂર સેવેરોદ્વિંસ્ક શહેરમાં રેડિએશન ફેલાઈ ગયું છે. રશિયન સરકારના અધિકારીએ નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે બ્લાસ્ટ બાદ સેવેરોદ્વિંસ્ક શહેરમાં રેડિએશન સ્તર સામાન્યથી 20 ગણું ઉપર પહોંચી ગયું છે. જોકે, દાવો કરવામાં આવી રહ્યો છે કે 40 મિનિટ બાદ જ સ્થિતિને સામાન્ય કરી દેવામાં આવી હતી. મેડિકલ ટીમે કેમિકલ અને ન્યૂક્લિયર પ્રોટેક્શન સૂટ પહેરીને તમામ ઘાયલોને ટેસ્ટ સાઇટથી બહાર કાઢવામાં આવ્યા છે.
રશિયાની ન્યૂક્લિયર કંપની રોસાતોમ મુજબ, વૈજ્ઞાનિક રોકેટના લિક્વિડ પ્રોપેલેન્ટ એન્જિનનું પરીક્ષણ કરી રહ્યા હતા તે સમયે રોકેટમાં બ્લાસ્ટ થયો. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે વૈજ્ઞાનિક આઇસોટોપ દ્વારા પ્રપુલ્શન સિસ્ટમને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેસ્ટ સાઇડને ઘણું નુકસાન થયું છે. બ્લાસ્ટમાં પાંચ વૈજ્ઞાનિકનાં મોત થયા છે જ્યારે નવ ઘાયલ હોવાના અહેવાલ છે.
ટેસ્ટિંગ સાઇટની પાસે રહેતાં આર્ખનગેલ્સક અને સેવેરોદ્વિંસ્ક શહેરના લોકો રેડિએશનને લઈને ઘણા ડરેલા છે. રશિયાના ન્યોનોસ્કામાં રોકેટ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ થવાથી સેવેરોદ્વિંસ્ક શહેરમાં રેડિએશન સ્તર સામાન્યથી 20 ગણું ઉપર પહોંચી ગયું છે.
રેડિએશનના ખતરાને જોતાં લોકો મેડિકલ સ્ટોર પર આયોડિન અને દવા લેવા માટે દોડી રહ્યા છે.મળતા અહેવાલ મુજબ, રશિયામાં એક સપ્તાહમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા સાઇબેરિયા સ્થિત હથિયારોના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ઘણું નુકસાન થયું હતું. હથિયારોના ગોડાઉનમાં આગ લાગવાથી અનેક બ્લાસ્ટ થયા, જેના કારણે શહેરના લોકો ઘણા ડરી ગયા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે 8 અન્ય ઘાયલ થયા હતા.