જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવારે સાંજે રાજકીય પક્ષોના પ્રતિનિધિ મંડ‌ળ સાથે મુલાકાત કરીને તેમને શાંત રહેવા માટે અને અફવાઓ પર ધ્યાન નહીં આપવા માટેની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાને અધવચ્ચેથી રોકવાને અન્ય બાબતો સાથે જોડી દઈને વગર કારણે ડર ફેલવવામાં આવી રહ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓને પોતાના સમર્થકોને શાંતિ સ્થાપવા માટે અને અફવાઓ પર ધ્યાન નહીં આપતા જનતાને પણ આવું સમજાવવા માટે આદેશ આપ્યો છે.
પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના પ્રમુખ શાહ ફૈઝલ અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોન અને ઈમરાન રજા અંસારીના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ ઉપરાંત દિવસ દરમિયાન થયેલા ઘટનાક્રમોના કારણે ઘાટીમાં ભયનો માહોલ સર્જાઈ જતા ચિંતા વ્યક્ત કરી હતી.
અમરનાથ યાત્રા પર આતંકી ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે શુક્રવારે બપોરે જ અમરનાથ યાત્રિઓ અને પ્રવાસીઓને શક્ય તેટલી ઝડપથી પરત ફરવા માટે કહી દીધું હતું. એટલું જ નહિ કાશ્મીર ફરવા આવેલાં તમામ પર્યટકોને પણ તત્કાળ કાશ્મીર છોડી દેવાનું કહેવાયું છે. સરકારના આ આદેશથી સમગ્ર જમ્મુ કાશ્મીર અને દેશમાં અફરાતફરી ફેલાઈ ગઈ છે. સરકાર આર્ટિકલ 370 અંતર્ગત આવતી કલમ 35-એને નાબૂદ કરવાની હિલચાલ કરી રહી હોવાની અટકળો ચાલી છે.