રાજકોટમાં જાહેર સ્થળ પર ઓનલાઈન ગેમ PUBG રમતા કોલેજના દસ વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ છે. જો કે, બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પાંચ દિવસ પહેલા જ સ્થાનિક પોલીસે PUBG ગેમ પર પ્રતિબંધ લાવવા માટે નોટિસ જાહેર કરી હતી. ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ PUBG ગેમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પરંતુ આ મામલામાં કોઈની ધરપકડ થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે.

બુધવારના રોજ આ દસ વિદ્યાર્થીઓ રાજકોટમાં અલગ-અલગ જગ્યાઓ પર PUBG ગેમ રમતા ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા બાદ તેમને જામીન પર છોડી દેવાયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, ‘અમે બાળકોને કડક સંદેશો આપવા માંગીએ છે કે PUBG પર પ્રતિબંધ લાવનારી નોટીસ એ ફક્ત કાગળનો ટુકડો નથી. પ્રતિબંધ લાવ્યા બાદ પણ જો કોઈ PUBG ગેમ રમતું ઝડપાશે તો જરૂરથી તેની ધરપકડ કરવામાં આવશે.’

PUBG એ એક ઓનલાઈન ગેમ છે. આમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતાને સુરક્ષિત રાખવા માટે અને ગેમમાં જીતવા માટે બીજા લોકોને મારવા પડતા હોય છે. PUBG ગેમમાં હિંસક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હિંસક પ્રવૃત્તિની આ ગેમથી નાના બાળકો, સગીરો અને યુવાનોના માનસપટ પર હિંસા સવાર થઈ જતી હોય છે. આ ગેમ રમવાથી બાળકોનો સ્વભાવ ગુસ્સાવાળો અને ઉગ્ર થઈ જાય છે.

આવો જ પ્રતિબંધ થોડા દિવસો પહેલા મોમો ચેલન્જ પર પણ લગાવવામાં આવ્ય હતો. જે ગેમ લોકોને ખતરનાક ચેલેન્જીસની સીરીઝ પૂર્ણ કરવા માટે પ્રેરતી હતી. થોડા દિવસ પહેલા જ બાંદ્રા, મુંબઈના 11 વર્ષના એક બાળકે ઓનલાઈન ગેમ PUBG પર પ્રતિબંધ લાવવા માટે સરકારને પત્ર લખ્યો હતો.