રાજસ્થાનમાં ગુર્જર સમુદાયના લોકો માટે અભ્યાસ અને નોકરીમાં પાંચ ટકા અનામતની માગણી કરતું અનામત આંદોલન વધુ હિંસક બન્યું છે. જેમાં આધે ધોલપુર જિલ્લામાં આવેલ આગ્રા-મોરેના હાઇવે કેટલાંક પ્રદર્શનકારીઓએ બ્લોક કર્યો હતો ઉપરાંત પોલીસ કાફલા પર હુમલો અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના ઘણાં વિસ્તારોમાં રેલવે ટ્રેક પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડી સિંગ બૈસલાએ સરકાર સાથેની વાટાઘાટ બાદ પણ રેલવે ટ્રેક પર બેસી આંદોલન ચાલુ રાખ્યુ છે.
આંદોલનકારીઓએ રાજસ્થાનના મહત્વના શહેરોને જોડતા હાઇવે આજે સવારથી બ્લોક કર્યા હતા. ધોલપુર જીલ્લામાંથી નીકળતા નેશનલ હાઇવે નં-૩ને કેટલાંક આજે સવારથી પ્રદર્શનકારીઓએ બાનમાં લીધો હતો. ત્યાં પહોંચેલા પોલીસ કાફલા પર પથ્થરમારો થતા ચાર પોલીસકર્મી ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને જવાબમાં પોલીસે ટિયર ગેસના શેલ છોડયા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણ પોલીસ જીપ અને એક પોલીસ બસને આગ ચાંપી હતી. આ દરમિયાન કેટલાંક અજાણ્યા શખ્સોએ હવામાં સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. જો કે આંદોલનકારીઓએ એમ્બ્યુલન્સ, દર્દી તેમજ સગર્ભાને દવાખાને લઇ જઈ રહેલા ખાનગી વાહનોને રસ્તો કરી આપ્યો હતો.
તો બીજી તરફ કિરોડી સિંહ અને અન્ય આંદોલન સમિતિના અન્ય નેતાઓ સવાઇ માધોપુર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર આંદોલન કરી રહ્યા છે. જેના કારણે ૨૫૦થી પણ વધુ ટ્રેનોના સમય માળખામાં અસર થઇ છે. આ વિસ્તારમાંતી પસાર થતી ૨૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સમગ્ર પરિસ્થિતિ વિશે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે કે આંદોલન કરવું એ યોગ્ય બાબત છે, પરંતુ રેલવે ટ્રેક અને રસ્તાઓ બ્લોક કરવા યોગ્ય નથી. આંદોલકારીઓએ સરકાર સાથે વાટાઘાટો કરવી જોઈએ અને સરકાર તેમને સાંભળવા માટે હંમેશા તૈયાર છે. ધોલપુરના બનાવ અંગે ગેહલોતનું કહેવું છે કે આંદોલનમાં હવે અસામાજીક તત્વો પણ આવી ગયા છે.