રાજસ્થાનની ર૦૦માંથી ૧૯૯ વિધાનસભા બેઠકો અને તેલંગાણાની કુલ ૧૧૯ સીટ પર મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ર૦ લાખથી વધુ મતદારો પહેલી વખત મત આપશે. મતદાન માટે બે લાખથી વધુ ઈવીએમ-વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. અલવરમાં રામગઢ વિધાનસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવારનું નિધન થતાં ત્યાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.

બીજી તરફ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ), કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન અને ભાજપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) રજતકુમારે જણાવ્યું કે મતદાન સવારે સાતથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની ૧૩ બેઠકો પર મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે.

રાજસ્થાનમાં સીધો મુકાબલો સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પક્ષોએ મોટા નેતાઓ સામે મજબૂત ઉમેદવારો ઊભા રાખીને લડાઈ રસપ્રદ બનાવી છે. ઝાલરાપાટનમાં સીએમ વસુંધરા રાજે સામે હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દિગ્ગજ નેતા જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહને ઉતારવામાં આવ્યા છે.

મુસ્લિમ બહુમતીવાળી ટોંક બેઠક પર સચીન પાઇલટ સામે ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર યુનુસ ખાન મેદાનમાં છે. હાલ એઆઈસીસી મહાસચિવ તરીકે કાર્યરત અશોક ગેહલોત સરદારપુરામાં તેમનો ગઢ ગણાતી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાજસ્થાનમાં ભાજપ સત્તાવિરોધી લહેરનો સામનો કરી રહ્યો છે. રાજસ્થાનમાં ૪.૭૪ કરોડ અને તેલંગાણામાં ર.૮૦ કરોડ મતદારો આજે નેતાઓનો ભાવિનો ફેંસલો કરશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો આગામી ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતી ‌િટ્વટમાં જણાવ્યું કે રાજસ્થાનમાં આજે મતદાનનો દિવસ છે. રાજ્યના તમામ મતદારોને મારો આગ્રહ છે કે તેઓ પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં અવશ્ય ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.

કેટલાંક સ્થળો પર ઈવીએમમાં ખામી સર્જાતાં મતદાન રોકવાની પણ ફરજ પડી છે. ઝાલરાપાટન અને ટોંકમાં ઈવીએમ બગડવાના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના ઝલાવરમાં પિંક પોલિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યુ છે, કેમ કે ત્યાં ફરજ પર તમામ મહિલાઓ જ તહેનાત છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે જણાવ્યું કે કેન્દ્રીય સુરક્ષાદળોની ૬૪૦ કંપની સહિત કુલ ૧,૪૪,૯૪૧ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ ૩૮૭ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં તમામ વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. ૧૯૯ વિધાનસભા બેઠકો માટે કુલ ૪,૭૪,૩૭,૭૬૧ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ રર૭૪ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે ૧૯૪, ભાજપે ૧૯૯, બસપાએ ૧૮૯, એનસીપીએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

રાજ્યના ચાર લાખથી વધુ દિવ્યાંગો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. તેમને મતદાન માટે ઘરેથી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રપ૯ મતદાન કેન્દ્રોની સંપૂર્ણ જવાબદારી મહિલા કર્મચારીઓ સંભાળી રહી છે. આ તમામ કેન્દ્ર પર સુરક્ષાકર્મી પણ મહિલાઓ જ છે.