ફિલ્મ સર્જક મેઘના ગુલઝારની નવી ફિલ્મ ‘રાઝી’ દરેક વ્યક્તિ માટે એક સારી ભેટ છે  જેને દેશથી લગાવ છે. આ ફિલ્મ એક ભારતીય અંડરકવર એજન્ટની ઘટનાથી પ્રેરિત છે. ૧૯૭૧માં જે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હતી તે સમયે અંડરકવર એજન્ટ કંઇ રીતે પાકિસ્તાનથી જરૂરી માહિતી મેળવીને ભારતની મદદ કરે છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.  ફિલ્મની કહાની ૧૯૭૧ દરમિયાન ભારત-પાક વચ્ચે તણાવપૂર્ણ માહોલને દર્શાવે છે, જે બાદમાં યુદ્ધમાં પરિણમે છે. ફિલ્મની શરૂઆતમાં જોવા મળે છે કે પાકિસ્તાન ભારતને બરબાદ કરવા માટે યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય છે. તેની જાણ કાશ્મીરી બિઝનેસમેન હિદાયત ખાન (રઝિત કપૂર)ને મળી જાય છે. હિદાયત વેપારના ધંધામાં અનેક વખત ભારતથી પાકિસ્તાન આવ-જા કરતો હોય છે અને તેની પાકિસ્તાની આર્મીમાં બ્રિગેડિયર પરવેઝ સૈય્યદ (શિશિર શર્મા) સાથે સારી મિત્રતા હોય છે.  હિદાયત આ મિત્રતાનો સહારો લઈ દેશની રક્ષા માટે એક મોટો નિર્ણય લે છે. તે પોતાની દીકરી સહમત (આલિયા ભટ્ટ) માટે બ્રિગેડિયરના દીકરા ઈકબાલ (વિકી કૌશલ)નો હાથ માગે છે, જે આર્મી ઓફિસર છે. સહમત એક કાશ્મીરી છોકરી છે, જેને ખબર પણ નથી કે તેના પિતા પાકિસ્તાનમાં તેનું ભવિષ્ય નક્કી કરીને આવ્યા છે. જોકે દેશ માટે પરેશાન પિતાને જોઈને સહમત આ સંબંધ માટે હા પાડી દે છે. સહમત હવે પોતાના પિતા અને દેશ માટે પાકિસ્તાનમાં ભારતની આંખ અને કાન બનીને રહેવા તૈયાર છે.  ફિલ્મમા એક્ટિંગની વાત કરીએ તો આલિયાએ પોતાના દમ પર સમગ્ર ફિલ્મને સારી રીતે નિભાવી છે. રો એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતને જોઈને તમારૂં મન ખુશ થઈ જશે. રજિત કપૂર, શિશિર શર્મા, આરિફ જકારિયાએ પોત-પોતાના પાત્રોને સારી રીતે ન્યાય આપ્યો છે. આલિયાના માતાના પાત્રમાં તેની રિયલ માતા સોની રાજદાનના ખૂબ ઓછા સીન છે.  ફિલ્મમાં ‘દિલબરો’, ‘એ વતન’, ‘રાઝી’ અને ‘એ વતન’ (ફિમેલ) ચારેય સોન્ગ ખૂબ જ સારા છે. ‘એ વતન’ માટે મ્યૂઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લોયની ત્રિપુટીએ લેજેન્ડરી ગીતકાર ગુલઝાર સાથે હાથ મિલાવ્યો છે અને અરીજીત સિંહે પણ પોતાના અવાજથી ગીતને સુંદર બનાવ્યું છે.