માણસની આદત અને દિનચર્યા નક્કી કરે છે કે તેનું જીવન કેટલું સારું અને સ્વસ્થ છે અને તેથી જ વહેલાં સૂવા અને વહેલાં ઊઠવા સહિતની કેટલીક બાબતો જીવન માટે મહત્ત્વની માનવામાં આવે છે ત્યારે સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધનકારોએ કરેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે રાત્રે વહેલાં જમવાથી કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સંશોધનકારોએ એ જાણવા પ્રયાસ કર્યો છે કે શું વૈશ્વિક સ્તરે બે સૌથી સામાન્ય કેન્સર (બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ)નો સંંબંધ ખાણી-પીણીની આદત સાથે છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે સંશોધનકારોએ અગાઉ પણ એ જણાવ્યું છે કે કેન્સરના આ બંને પ્રકારનો રાત પાળીમાં કામ કરવાથી, શરીરની આંતરિક ઘડિયાળમાં ફેરફાર થવા અને દિનચર્યામાં ફેરફાર થવા સાથે સીધો સંબંધ છે.
આ અંગે સ્પેનની બાર્સિલોના ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધનકારોએ આ અભ્યાસ માટે કેટલાક લોકોની દિનચર્યા પર ખાસ વોચ રાખી હતી. આ અભ્યાસમાં ૬૨૧ પ્રોસ્ટેટ કેન્સર અને ૧૨૦૫ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ ઉપરાંત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા ઉપલબદ્ધ કરાવવામાં આવેલા ૮૭૨ પુરુષો અને ૧૩૨૧ મહિલાનો ડેટા સામેલ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જે લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો તેમને કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. તેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાત્રે વહેલાં જમવાથી કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે.