લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલે અમેઠીમાં પોતાની હારનો સ્વિકાર કરતા કહ્યું હતું કે અમેઠીમાં સ્મૃતિ ઇરાની જીતી છે. હું ઇચ્છીશ કે સ્મૃતિ ઇરાની જી પ્રેમથી અમેઠીની સંભાળ રાખે. તેમને જીત માટે અભિનંદન. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હું પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવાર લડ્યા તેનો આભાર માનું છું. અમારી લડાઇ વિચારધારાની છે. અમારે સ્વિકાર કરવો પડશે કે આ ચૂંટણીમાં મોદી જીત્યા છે. હાર બદલ પોતાની જવાબદારી સ્વિકારતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે. આજે નિર્ણયનો દિવસ છે.હું આ નિર્ણયને કોઈ રંગ આપવા માંગતો નથી. આજે કોઈ ફરક પડતો નથી કે હું આ પાછળ કયું કારણ માનું છું. નિર્ણય છે કે મોદી દેશના પીએમ હશે.