‘જૈશ-એ-મોહમ્મદ’ના વડા મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. હવે તેમના ગઢ એવા અંમેઠીમાં તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવવાની શરૂઆત થઇ છે. રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર ઉત્તર પ્રદેશના અમેઠીમાં તેમના જૈશના મસૂદ અઝહર સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (બીજેવાયએમ)ના કાર્યકર્તા શુભમ તિવારી દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં પુલવામા હુમલાના ષડયંત્રકાર મસૂદ અઝહરને રાહુલને સન્માનિત કરતો દર્શાવવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે જે આતંકવાદીઓને ‘જી’ કહીને બોલાવે એવા સાંસદ અમેઠીને ના જોઇએ.
તેમાં આગળ લખ્યું છે કે ‘દેશના વડાપ્રધાનનું અપમાન કરે, આતંકવાદીનું સન્માન કરે, આવા સાંસદ અમેઠીને મંજૂર નથી.’ શુભમ તિવારીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ આતંકવાદીઓને સન્માન આપી ભારતના લોકોને શરમમાં નાખ્યા છે. અમેઠીના લોકો તેનાથી ખૂબ જ દુ:ખી છે કારણ કે રાહુલ ગાંધી તેમનું પ્રતિનિધિત્વ કરે છે. અમેઠીના શુભચિંતક તરીકે, મેં પોસ્ટર દ્વારા મારો ગુસ્સો દર્શાવવાનો નિર્ણય કર્યો છે. ‘
દિલ્હીમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતી વખતે, રાહુલને જૈશ સરગના ‘મસૂદ અઝહર જી’ કહ્યું હતું. તેના પછી તરત જ, ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ શાબ્દિક પ્રહારો શરૂ કરી પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર નિશાન સાધતા ટ્વિટર પર લખ્યું હતું કે, પાકિસ્તાન અને રાહુલ ગાંધીમાં શું સામ્યતા છે? આતંકવાદીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ.
જો કે કોંગ્રેસે રાહુલ ગાંધીના નિવેદનની સ્પષ્ટતા કરી કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે આ વાત એક અલગ સંદર્ભમાં કહી હતી. અમેઠીથી એમએલસી દીપક સિંહે કહ્યું કે, ભાજપે રાહુલ ગાંધીના શબ્દોમાં કટાક્ષ સમજી લીધો હતો. અમારા પ્રહારથી ડરીને તેમણે પોતાના પ્રભાવ હેઠળ અમને કાઉન્ટર કર્યા છે.