રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીને લઇને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યન સ્વામીની મુશ્કેલીઓ વધી શકે છે. તેમની વિરુદ્ધ રાજસ્થાનમાં 20 અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ બાદ મંગળવારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં સુબ્રમણ્યનની વિરુદ્ધ 39 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નોંધાવી છે.

સોમવારે પ્રદેશ કોંગ્રેસ કમિટિના મહાસચિવ અને પાર્ટીના લીગલ સેલના પ્રમુખ સુશીલ શર્માએ પણ મુખ્ય ન્યાયિક મજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુબ્રમણ્યન સ્વામીએ કથિત રીતે રાહુલ ગાંધી પર નશીલા પદાર્થોના સેવનનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદથી જ કોંગ્રેસ કાર્યકર્તા તેમના પર ભડક્યા છે. યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમની અરજીમાં કલમ 504, 505 અને 511 હેઠળ કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસની માગ છે કે સ્વામી પોતાના નિવેદન માટે માફી માગે.

ફરિયાદકર્તાઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વિરુદ્ધ સ્વામી દ્વારા કરાયેલી ટિપ્પણીથી તેમની ભાવનાને ઠેસ પહોંચી છે અને આ કૃત્યને માનહાનિ માનાવામાં આવે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટિના મહાસચિવ અને માનવાધિકાર અને આરટીઆઇ વિભાગના અધ્યક્ષ સુશીલ શર્મા દ્વારા જયપુરના એસીજેએમ કોર્ટ નંબર 12 મેટ્રો સિટીમાં સ્વામી વિરુદ્ધ સોમવારે કેસ દાખલ કરાયો હતો. શર્માએ સીઆરપીસીની કલમ 357(3) હેઠળ એક કરોડ રૂપિયાના વળતરની માગણી પણ કરી છે.