રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવા નાણાકીય વર્ષમાં સૌપ્રથમ વખત ચાવીરૂપ વ્યાજદર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ હોમ-ઓટો સહિતની તમામ લોન પરના વ્યાજ દરમાં લોનધારકને રાહત મળશે.આરબીઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં 4-2ની બહુમતિથી વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે ત્રણ દિવસની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ગુરુવારે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી. આ સાથે જ રેપો રેટ ઘટીને 6 ટકા થયો છે.

આરબીઆઈએ પોલિસીનું સ્ટેન્ડ ‘ન્યુટ્રલ’ રાખ્યું હતું. શક્તિકાંત દાસે અગાઉ ફેબ્રુઆરીમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે આ બેઠક બાદ આરબીઆઈ દ્વારા રેટ કટની બજાર વર્ગને અપેક્ષા હતી. અપેક્ષા મુજબ જ ટૂંકા ગાળાના વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કરાયેલો ઘટાડો હવે બેંકો ગ્રાહકો સુધી કેવી રીતે અને કેટલો પહોંચાડે છે તેને આધારે લોનના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાયો છતા શેરબજારમાં તેની સાનુકુળ અસર જોવા મળી નથી. બપોરના 12 કલાકે સેન્સેક્સ 50 પોઈન્ટ તેમજ નિફ્ટી 15 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યા છે.