પેટ્રોલિયમ બિઝનેસથી ટેલિકમ્યુનિકેશન બિઝનેસ સુધી પોતાની મજબૂત પકડ બનાવી રાખનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક ઈન્ટિગ્રેટેડ એનર્જી કંપનીથી ચીનની કંપની અલીબાબાની જેમ ગ્રાહક ક્ષેત્રની દિગ્ગજ કંપનીમાં ફેરવાઈ રહી છે. રિલાયન્સ આગામી સમયમાં એમેઝોન અને વોલમાર્ટ જેવી કંપીઓની કટ્ટર પ્રતિસ્પર્ધી બની શકે છે. બ્રોકરેજ ફર્મ યૂબીએસે ગુરુવારના રોજ આ અંગે જાણકારી આપી હતી.
રિલાયન્સ પોતાનું ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે કે જે ૬,૫૦૦ શહેરો અને જિલ્લાઓમાં ફેલાયેલ રિટેલ એકમના લગભગ ૧૦,૦૦૦ સ્ટોર્સને એક સાથે જોડશે. આ સાથે જ તેમનો ટેલિકમ્યુનિકેશન બિઝનેસ પણ ધૂમ કમાણી કરી રહ્યો છે. તેમની પાસે પહેલેથી જ ૨૮ કરોડ ગ્રાહકો છે. ફર્મે કહ્યું કે, અમારા વિશ્લેષણ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટેલિકમ્યુનિકેશન અને મીડિયા ક્ષેત્રમાં દિગ્ગજ કંપની બની શકે છે જ્યારે રિટેલ/ઈકોમર્સ ક્ષેત્રમાં પણ તેમની ભાગીદારીમાં નોંધપાત્ર નફો થઈ રહ્યો છે.
યૂબીએસનું કહેવું છે કે, તેમની સફળતા ઈકોસિસ્ટમ અથવા સસ્તી કિંમતે સેવાઓ અને વસ્તુઓ વેંચવાની રણનીતિ અને ઘરેલૂ કંપની હોવાના ફાયદા પર આધારિત હોઈ શકે છે. આ કંપની પણ ચીનની પ્રખ્યાત ઈકોમર્સ સાઈટ અલીબાબાની જેમ જ સફળ થઈ શકે છે. તેમણે કહ્યું કે રિલાયન્સને ‘ઘરેલૂ’ કંપની હોવાનો ફાયદો પણ મળ્યો છે. ભારતમાં હવે ઘણી બધી સહયોગી નીતિઓ છે. ભારતના ઈ-કોમર્સ નિયમોનો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઘરેલૂ કંપનીઓને પણ લાભ મળવો જોઈએ.