રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ITC પાસેથી મેન્સવેર બ્રાન્ડ જ્હોન પ્લેયર્સ ખરીદી કરી છે. એક્વિઝિશનને પગલે રિલાયન્સ રિટેલના વેલ્યૂ ફેશન બિઝનેસમાં Rs 350 કરોડનો ઉમેરો થશે તેવું મનાય છે. કંપનીના વેલ્યૂ ફેશન બિઝનેસનું સંચાલન રિલાયન્સ ટ્રેન્ડ્સ અને Ajio.com દ્વારા થાય છે. બન્ને કંપનીએ આ સોદો કેટલામાં પાર પડ્યો તેની કોઈ નાણાકીય વિગત જાહેર કરી ન હતી, પરંતુ સોદો લગભગ 150 કરોડમાં થયો હોવાનો અંદાજ છે. ગયા સપ્તાહે થયેલા કરારના ભાગરૂપે રિલાયન્સે જ્હોન પ્લેયર્સની એસેટ્સ ખરીદી છે. જેમાં 750 સ્ટોર્સ દ્વારા બ્રાન્ડ અને ડિસ્ટ્રબ્યુશન હકનો સમાવેશ થાય છે. તેમાં 65 એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ પણ છે. એક્વિઝિશનની મદદથી રિલાયન્સ તેના બ્રાન્ડ એપેરલ બિઝનેસને મજબૂત બનાવશે, જે કંપનીના નવા ઇ-કોમર્સ બિઝનેસનું મહત્ત્વનું પાસું હશે. આઈટીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીએ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે જ્હોન પ્લેયર બ્રાન્ડ, ટ્રેડમાર્ક અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તથા તેમાં રહેલી ગુડવિલ રિલાયન્સ રિટેલને વેચી દીધી છે. ITCએ એપેરલ બિઝનેસના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે જ્હોન પ્લેયર્સનું વેચાણ કર્યું છે. કંપની WLS સ્ટોર્સ દ્વારા પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉ ITC વિલ્સ લાઇફસ્ટાઇલ તરીકે ઓળખાતા WLS સ્ટોર્સ ગયા મહિને રિલોન્ચ કરાયા હતા. એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર “જ્હોન પ્લેયર્સના બિઝનેસનો લગભગ ૬૫ ટકા હિસ્સો રિલાયન્સ રિટેલે પહેલેથી જ રિલાયન્સ ટ્રેન્ડ્ઝ સ્ટોર્સ અને Ajio.comની મદદથી ટેકઓવર કરી લીધો હતો.”